જાહેરાત
તાજા સમાચાર
ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ, નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ | ગુજરાતમાં મેઘમહેર: આજે 109 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત | વાહન માલિકી ટ્રાન્સફર અને NOCની પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે આધાર લિંક ફરજિયાત | જેપી નડ્ડાના નિવાસસ્થાને CJP પ્રતિનિધિમંડળની 10 મિનિટ બેઠક, ‘સંસદ માર્ચ’ વચ્ચે સરકાર સમક્ષ રજૂ કરી માંગણીઓ | ત્રિપુરાના DGP અનુરાગ ધનખડનું શંકાસ્પદ સંજોગોમાં મોત, પોલીસ હેડક્વાર્ટરમાંથી મળ્યો મૃતદેહ | જામનગરમાં ફૂડ સેફ્ટી વિભાગની ત્રાટક કાર્યવાહી: 41 વેપારી એકમોની તપાસ, 68 કિલો વાસી ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો. | ભારતમાં ડેન્ગ્યુ સામે મોટી સફળતા: DCGIએ તાકેડાની QDENGA રસીને આપી મંજૂરી. | રેલવે સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 8 રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન. | કેશોદ નગરપાલિકામાં ચેમ્બરની નેમપ્લેટને લઈને ચર્ચા: ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરપર્સનનું નામ બદલાતા સર્જાયું કૌતુક. | જામનગર જિલ્લા માહિતી કચેરીમાં સુશ્રી માનસી ધારવિયાનું ભાવભર્યું વિદાયમાન, પી.એસ.આઇ. તરીકે નિમણૂક બદલ પાઠવાઈ શુભેચ્છાઓ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૧ વાર જોવાયેલ 17 કલાક પેહલા

મારું શહેર આમરા ગામની ચાર સદી જૂની અનોખી પરંપરા: કૂવામાં રોટલો પધરાવી કરવામાં આવે છે વરસાદનો વરતારો, આ વર્ષે સારા વરસાદના સંકેતથી ગ્રામજનોમાં ખુશી.

આમરા ગામની ચાર સદી જૂની અનોખી પરંપરા: કૂવામાં રોટલો પધરાવી કરવામાં આવે છે વરસાદનો વરતારો, આ વર્ષે સારા વરસાદના સંકેતથી ગ્રામજનોમાં ખુશી.

જામનગર તાલુકાના આમરા ગામમાં આજે પણ ચાર સદીથી વધુ જૂની એક અનોખી પરંપરા જીવંત છે, જેમાં અષાઢ માસના પ્રથમ સોમવારના દિવસે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો કરવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન, સેટેલાઇટ અને હવામાન વિભાગની આગાહીના યુગમાં પણ આમરા ગામના લોકો પોતાના પૂર્વજોની આ દેશી પરંપરામાં અતૂટ વિશ્વાસ રાખે છે. દર વર્ષે આ વિધિ શ્રદ્ધા અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાય છે અને સમગ્ર ગામ તેમાં ઉત્સાહપૂર્વક જોડાય છે. આ વર્ષે પણ ગામના ભમ્મરિયા કૂવા ખાતે વિધિવત રીતે રોટલો પધરાવવામાં આવ્યો હતો અને તેની દિશા સારા વરસાદના સંકેત આપતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું, જેના કારણે ગામમાં આનંદ અને આશાનું વાતાવરણ છવાઈ ગયું છે.

આમરા ગામમાં ચાલી આવતી આ પરંપરા ચાર સદીઓથી પણ વધુ જૂની હોવાનું સ્થાનિકો જણાવે છે. પરંપરા અનુસાર અષાઢી માસના પ્રથમ સોમવારે ગામના સતવારા સમાજના એક પરિવારના ઘરે ખાસ રોટલો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ગામના વાણંદ સમાજના સભ્ય દ્વારા આ રોટલો ઢોલ-નગારા અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સતી માતાજીના મંદિર પાસે આવેલા ભમ્મરિયા કૂવા સુધી લઈ જવામાં આવે છે. ત્યાં ગામના દરબાર (ક્ષત્રિય) પરિવારના સભ્યના હાથે વિધિપૂર્વક રોટલો કૂવામાં પધરાવવામાં આવે છે. આ સમગ્ર વિધિ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને વર્ષના વરસાદ અંગેના સંકેતોની આતુરતાપૂર્વક રાહ જુએ છે.

 

આ પરંપરા પાછળ એક લોકમાન્યતા પણ જોડાયેલી છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં દરબારોએ ભાત આપવા જતી એક મહિલાના રોટલા ઝૂંટવી લીધા હતા. આ ઘટનાથી દુઃખી થયેલી મહિલાએ ભમ્મરિયા કૂવાને શાપ આપ્યો હતો, જેના પરિણામે ગામમાં દુષ્કાળ અને અનેક મુશ્કેલીઓ આવી હતી. ત્યારબાદ ગામના લોકોએ આફતમાંથી મુક્તિ મેળવવા માટે એ જ કૂવામાં દર વર્ષે રોટલો પધરાવવાની પરંપરા શરૂ કરી હતી. ત્યારથી આજદિન સુધી આ વિધિ નિયમિત રીતે કરવામાં આવે છે. ગામના લોકો આને સતી માતાજીને અર્પણ કરાતો નૈવેદ્ય માને છે અને આ પરંપરા ગામના સુખ-સમૃદ્ધિ તથા સારા વરસાદ સાથે જોડાયેલી હોવાનું માને છે.

ગામમાં એવી માન્યતા છે કે કૂવામાં પધરાવેલો રોટલો જે દિશામાં તરતો જાય તેના આધારે સમગ્ર વર્ષના વરસાદનો વરતારો કરવામાં આવે છે. જો રોટલો પૂર્વ અથવા ઉગમણી દિશા તરફ જાય તો તે સારા અને પૂરતા વરસાદના સંકેત માનવામાં આવે છે, જ્યારે પશ્ચિમ દિશા તરફ જાય તો ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. આ વર્ષે વિધિ દરમિયાન રોટલો ઉગમણી દિશામાં ગયો હોવાનું ગામના વડીલો અને હાજર ગ્રામજનોએ નિરીક્ષણ કર્યું હતું. તેથી આ વર્ષે સારો વરસાદ પડશે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે તેવું ગામલોકોએ તારણ કાઢ્યું છે.

 

આધુનિક યુગમાં હવામાન વિભાગ સેટેલાઇટ, રડાર અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે વરસાદની આગાહી કરે છે, પરંતુ આમરા ગામના ઘણા ખેડૂતો અને ગ્રામજનો આજે પણ પોતાની દેશી પરંપરા પર વધુ વિશ્વાસ વ્યક્ત કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી આ પરંપરા મુજબ કરવામાં આવતો વરસાદનો વરતારો મોટા ભાગે સાચો સાબિત થયો છે. અનેક વખત હવામાન વિભાગની આગાહી બદલાઈ ગઈ હોવા છતાં ગામની આ પરંપરા મુજબ થયેલું અનુમાન સાચું પડ્યું હોવાનું સ્થાનિકો દાવો કરે છે. તેથી ખેડૂતો ખેતીના કેટલાક નિર્ણયો લેતી વખતે પણ આ પરંપરાને મહત્વ આપે છે.

આ સમગ્ર ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિ દરમિયાન ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ઢોલના તાલ સાથે ગ્રામજનો સતી માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને પરંપરાગત રીત-રિવાજ મુજબ કૂવામાં રોટલો પધરાવવામાં આવ્યો હતો. વડીલોથી લઈને યુવાનો સુધી દરેક વ્યક્તિ આ પરંપરાને જાળવવામાં પોતાનો સહભાગ નોંધાવે છે. આ વિધિ માત્ર વરસાદની આગાહી પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને પૂર્વજોની પરંપરાને જીવંત રાખવાનું પણ પ્રતિક માનવામાં આવે છે.

 

આ વર્ષે રોટલો ઉગમણી દિશામાં જતાં ગામના ખેડૂતોમાં નવી આશા જાગી છે. વરસાદ સારો રહેશે તો ખરીફ પાકને પૂરતું પાણી મળશે અને ખેતીને લાભ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાર સદીઓથી વધુ સમયથી અવિરત ચાલતી આ અનોખી પરંપરા આજે પણ આમરા ગામની ઓળખ બની રહી છે. આધુનિક ટેકનોલોજી વચ્ચે પણ લોકઆસ્થા, પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિનું આ જીવંત ઉદાહરણ દર્શાવે છે કે ગુજરાતના ગામડાઓમાં પૂર્વજોની માન્યતાઓ અને લોકજ્ઞાન આજે પણ એટલું જ મજબૂત સ્થાન ધરાવે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ