જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૩ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં ચોમાસા વચ્ચે પાણી અને ગટરના કામથી લોકો પરેશાન : રોડ પર ગંદુ પાણી ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ.

જામનગરમાં ચોમાસા વચ્ચે પાણી અને ગટરના કામથી લોકો પરેશાન : રોડ પર ગંદુ પાણી ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ.

મામા સાહેબના મંદિરથી આણદાબાવા ચકલા સુધીના માર્ગ પર ગંદકી અને પાણીના ભરાવાથી લોકો ત્રસ્ત
 
   જામનગર શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. શહેરના મામા સાહેબના મંદિરથી આણદાબાવા ચકલા સુધીના માર્ગ પર પાણી અને ગટરના કામના કારણે સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. ચોમાસાની સિઝનમાં ચાલી રહેલી કામગીરીના કારણે અનેક સ્થળોએ ગંદુ પાણી રોડ પર ભરાઈ રહેતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

 


   ચોમાસા દરમિયાન રોડ પર ગંદા પાણીનો ભરાવો રહેતા વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની રહી છે. બીજી તરફ લાંબા સમય સુધી ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. એક તરફ શહેરમાં ચાંદીપુરા અને વાયરલ જેવા રોગોના કેસોને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ જાહેર રસ્તાઓ પર ગંદકી અને પાણીના ભરાવાની સમસ્યા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે. જો સમયસર ગંદુ પાણી દૂર કરવામાં નહીં આવે અને યોગ્ય સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મામા સાહેબ મંદિરથી આણદાબાવા ચકલા સુધીના માર્ગ પર અમુક સ્થળોએ ગંદા પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળતી હોવાના કારણે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.  સ્થાનિક રહીશોનું કહેવું છે કે, રસ્તા પર ભરાયેલા ગંદા પાણીના કારણે માત્ર અવરજવરની સમસ્યા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ અને પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક ધ્યાન આપી મામા સાહેબ મંદિરથી આણદાબાવા ચકલા સુધીના માર્ગ પર જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયો છે ત્યાંથી ગંદુ પાણી દૂર કરવામાં આવે, ગંદકીની સફાઈ કરવામાં આવે તેમજ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ