જાહેરાત
તાજા સમાચાર
ગોંડલ એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો, 150થી વધુ કર્મચારીઓએ કરાવી આરોગ્ય તપાસ. | બદલાતા મોસમની અસર: ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો, રોજ 1,000થી વધુ OPD નોંધાય. | ખાદ્ય તેલના ભાવમાં કમરતોડ વધારો: એક વર્ષમાં 18% અને બે વર્ષમાં 56% સુધી ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. | આરોગ્ય મંત્રીની જાહેરાત બાદ જામનગર સહિત ગુજરાતમાં ફૂડ સેફ્ટી વિભાગનું પનીર ચેકિંગ અભિયાન શરૂ. | UPIમાં મોટો ફેરફાર: હવે પેમેન્ટ કરતી વખતે મોબાઇલ નંબર નહીં દેખાય, પ્રાઇવસી વધશે. | આજનો ઇતિહાસ – 6 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૫ | "પ્રજાના પૈસે લીલાલહેર નહીં ચાલે" : વિસાવદર જળ યોજનામાં ગેરરીતિના આક્ષેપો, તટસ્થ તપાસની માંગ. | ગુજરાત રાજ્ય બીજ નિગમનો રાજ્ય સરકારને રૂ. 6.33 કરોડનો ડિવીડન્ડ, મુખ્યમંત્રીને ચેક અર્પણ. | ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે? |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯ વાર જોવાયેલ 15 મિનિટ પેહલા

મારું શહેર બદલાતા મોસમની અસર: ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો, રોજ 1,000થી વધુ OPD નોંધાય.

બદલાતા મોસમની અસર: ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો, રોજ 1,000થી વધુ OPD નોંધાય.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. શરદી, ઉધરસ, તાવ, પેટમાં દુખાવો, ડાયેરિયા, ઉલ્ટી અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી રહી છે. વહેલી સવારથી જ કેસ બારી પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને હોસ્પિટલનું ઓપીડી વિભાગ સતત દર્દીઓથી ધમધમતું જોવા મળે છે.

ધોરાજી શહેર ઉપરાંત આસપાસના આશરે 29 જેટલા ગામોના લોકો પણ સારવાર માટે આ હોસ્પિટલનો આશરો લઈ રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે વધારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 1,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે, જેના કારણે તબીબી સ્ટાફ પણ સતત કામગીરીમાં વ્યસ્ત છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત છે અને અહીં આધુનિક સારવારની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. જુલાઈ મહિનાના આંકડા મુજબ હોસ્પિટલમાં કુલ 30,248 OPD નોંધાઈ હતી, જે હોસ્પિટલ પર લોકોના વધતા વિશ્વાસને દર્શાવે છે. હોસ્પિટલમાં ગાયનેકોલોજી, આંખ, ચામડી, દંતચિકિત્સા, ઓર્થોપેડિક, જનરલ સર્જરી અને ફિઝિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરો દર્દીઓને સારવાર આપી રહ્યા છે.

હોસ્પિટલના અધિક્ષક ડૉ. જયેશભાઈ વસેટિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં તમામ પ્રકારની આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. લેબોરેટરી અત્યાધુનિક સાધનોથી સજ્જ છે અને જે ટેસ્ટ હોસ્પિટલમાં શક્ય નથી તે આઉટસોર્સિંગ દ્વારા કરાવી દર્દીઓને રિપોર્ટ આપવામાં આવે છે. હાલમાં મુખ્યત્વે શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શન અને ડાયેરિયા-વોમિટિંગના કેસો વધી રહ્યા છે, જ્યારે હાલ સુધી ડેન્ગ્યુનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમણે લોકોને ઉકાળેલું અથવા ક્લોરિનેટેડ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરજન્ય રોગોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

 

હોસ્પિટલની પેથોલોજી લેબોરેટરીમાં પણ દર્દીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. અહીં CBC, હિમેટોલોજી, ઇમ્યુનોલોજી, બાયોકેમિસ્ટ્રી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. ડૉ. કમલેશ ધરજીયા, પેથોલોજિસ્ટે જણાવ્યું હતું કે હાલમાં દરરોજ 600થી 1,000 જેટલા દર્દીઓ વિવિધ તપાસ માટે આવી રહ્યા છે. વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને જરૂરી તમામ તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે.

સારવાર લેવા આવેલા દર્દી ખીમજીભાઈ ગોવાભાઈએ હોસ્પિટલની સેવાઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમને કમળાની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સોનોગ્રાફી સહિતની તમામ તપાસ સમયસર કરવામાં આવી હતી અને ડોક્ટરો દ્વારા ઉત્તમ સારવાર મળી રહી છે.

બદલાતી ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે. બહારનું ખુલ્લું અને અસ્વચ્છ ખાવાનું ટાળવું, માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવું, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને તાવ, ઉધરસ, પેટમાં દુખાવો અથવા અન્ય કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી હોવાનું જણાવાયું છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલ 24 કલાક ઇમરજન્સી તેમજ OPD સેવાઓ સાથે સતત દર્દીઓની સેવા આપી રહી છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે વધતા દર્દી ભાર છતાં દરેક દર્દીને ગુણવત્તાસભર અને સમયસર સારવાર મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

 

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ