મારું શહેર જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર.
જામનગર તાલુકાના જગા ગામમાં પશુપાલકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. તા. 24-07-2026ના રોજ ફૂડ પોઈઝનિંગની શંકાને પગલે કુલ 46 ઘેટાં અને બકરાંના મોત થયા હોવાનું પશુપાલન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ અન્ય 7 પશુઓની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, શ્રી નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના 21 ઘેટાં અને 4 બકરાં, એમ કુલ 25 પશુઓના મોત થયા છે. જ્યારે શ્રી મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના 18 ઘેટાં અને 3 બકરાં, એમ કુલ 21 પશુઓના મોત નિપજ્યા છે.

આ ઉપરાંત હાલમાં નારણભાઈના 2 ઘેટાં તેમજ મચ્છાભાઈના 4 ઘેટાં અને 1 બકરો, એમ કુલ 7 પશુઓ બીમાર હાલતમાં હોવાનું નોંધાયું છે.
ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ, જામનગર તેમજ પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાતોની ટીમે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પશુઓની હિસ્ટ્રીના આધારે પ્રાથમિક તારણમાં ફૂડ પોઈઝનિંગના કારણે પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પશુપાલન વિભાગ દ્વારા બંને માલિકોના તમામ પશુઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે તેમજ બીમાર પશુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ પશુપાલકોને દૂષિત અથવા શંકાસ્પદ ચારો ન આપવાની, સ્વચ્છ પાણીની વ્યવસ્થા રાખવાની અને અન્ય પશુઓમાં કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઘટનાથી જગા ગામના પશુપાલકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પશુપાલન વિભાગે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણ અંગે નમૂનાઓનું વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે.