પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર
૨૨ વાર જોવાયેલ
•
3 કલાક પેહલા
મારું શહેર જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં 33માંથી 30 અરજીઓનો સ્થળ પર જ નિકાલ.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆત ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને નિયમ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરી તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ લાવવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો દ્વારા કુલ 33 અરજીઓ અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 30 પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીના પ્રશ્નોમાં પણ સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી હાથ ધરવા અને સમયસર યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. સ્થળ પર જ મોટી સંખ્યામાં પ્રશ્નોનું નિરાકરણ આવતાં અરજદારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠક દરમિયાન જમીન સંપાદનના વળતર, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની સમસ્યાઓ, સેવા સહકારી મંડળીઓ દ્વારા ‘નો ડ્યુ’ સર્ટિફિકેટ ન આપવાના પ્રશ્નો, ઉદ્યોગોમાંથી ફેલાતી દુર્ગંધ, રોડ એવોર્ડની બાકી રકમ તેમજ કેનાલના કારણે ભરાતા વરસાદી પાણીના નિકાલ અને નવી પાઇપલાઇન નાખવા જેવા મહત્વના લોકપ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત રસ્તાઓના સમારકામ, એટ્રોસિટી એક્ટ હેઠળ સહાયની રકમ, હોમગાર્ડ સંબંધિત પ્રશ્નો, લિવિંગ સર્ટિફિકેટમાં પિતાના નામમાં સુધારો, જન્મ-મરણના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ તેમજ જામનગરથી કાલાવડ વચ્ચે મેટ્રિલિંક બસ અને હાઇવે સ્ટોપ સાથે નિયમિત બસ સેવા શરૂ કરવાની રજૂઆત સહિતના મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.
બેઠકમાં ફોરેસ્ટ વિભાગ હેઠળ ગેરકાયદેસર વૃક્ષ કાપવાની પ્રવૃત્તિ, વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો, ઓરિયો ધોરિયા અંગેના હુકમને રદ કરવાની રજૂઆત, પ્રોપર્ટી કાર્ડ મેળવવાની પ્રક્રિયા, ગેરકાયદેસર ગૌશાળાઓ દૂર કરવાની માંગ તેમજ ખનિજ ચોરી અટકાવવા માટેના પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત વિભાગોને સંકલન સાથે કામગીરી કરી નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને પારદર્શક ઉકેલ લાવવા સૂચના આપી હતી.
કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાએ બેઠક દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્વાગત ફરિયાદ નિવારણ વ્યવસ્થાનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓને ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવાનો છે. તેમણે અધિકારીઓને અરજદારો સાથે સંવેદનશીલ અભિગમ રાખી દરેક રજૂઆતને પ્રાથમિકતા આપવાની તેમજ બિનજરૂરી વિલંબ ટાળવાની સૂચના આપી હતી. સાથે જ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારી લોકોને સમયસર ન્યાય અને સેવા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.એમ. કાથડ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે જિલ્લા વહીવટીતંત્રની લોકકેન્દ્રિત અને જવાબદાર કામગીરીનું ઉત્તમ ઉદાહરણ.
આ સમાચાર શેર કરો: