જાહેરાત
તાજા સમાચાર
Amazonના ગ્રાહકને આવ્યું ₹130 લાખ કરોડનું બિલ! ટેક્નિકલ ખામીથી મચ્યો હોબાળો, કંપનીએ આપી સ્પષ્ટતા | માધવપુરમાં રૂ. 43.72 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ, યાત્રાધામને મળશે આધુનિક ઓળખ. | મહારાષ્ટ્રમાં પ્રેમિકાનો ખૌફનાક કાંડ! યુવકના.... | ઓડેસા બંદર પર મિસાઇલ હુમલો: 4 ભારતીય નાવિકોના મોત બાદ ભારતનો રશિયા સામે કડક વિરોધ. | ગોંડલના સુલતાનપુરમાં અનોખું રેસ્ક્યૂ ઓપરેશન, મકાનના ધાબા પર ચઢેલા આખલાને સહીસલામત ઉતારાયો. | અમદાવાદના ચાંગોદરમાં રૂ. 39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, ફાયર સેફ્ટીના અભાવે બે સામે FIR | IPL ક્રિકેટર અભિષેક પોરેલ સામે ગંભીર આરોપો: લગ્નનું વચન આપી શારીરિક શોષણનો કેસ, કલકત્તા હાઇકોર્ટનો તાત્કાલિક ધરપકડનો આદેશ | ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત. | જામજોધપુરની પી.એમ. તાલુકા શાળા નં. 1 પાસે દારૂની ખાલી બોટલોના ઢગલા, જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો. | પોરબંદરની ખાસ જેલમાં જેલકર્મી પર હુમલો, કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૯૫ વાર જોવાયેલ 8 કલાક પેહલા

મારું શહેર ઝીણાવારીમાં ગૌચરની 30 વીઘા જમીન પર દબાણનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કાર્યવાહીની માગ કરી.

ઝીણાવારીમાં ગૌચરની 30 વીઘા જમીન પર દબાણનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કાર્યવાહીની માગ કરી.

જામજોધપુર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગામના ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને ગૌચરની આશરે 30 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગૌચરની જમીન પર થયેલા દબાણને કારણે ખેડૂતોનો વર્ષો જૂનો અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે ખેતીકામમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રજૂઆત મુજબ ઝીણાવારી ગામે ગૌચર સર્વે નંબર 316 હેઠળની સરકારી જમીન ઝીણાવારીથી ઈશ્વરિયા જતા માર્ગની ઉત્તર અને દક્ષિણ બાજુ આવેલી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ઉત્તર તરફ આવેલી ગૌચરની કિંમતી જમીન પર જેરામ લાખા કદાવલા તથા તેમના પુત્રો વિનોદ જેરામ કદાવલા અને ગુલાબ જેરામ કદાવલા દ્વારા ગેરકાયદેસર રીતે આશરે 30 વીઘા જમીન ખેડી કબજો જમાવવામાં આવ્યો છે. માત્ર જમીન ખેડવામાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારની ફરતે મોટો પાળો બાંધી દેવામાં આવ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે, જેના કારણે સરકારી ગૌચરની મૂળ સ્થિતિ બદલાઈ ગઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે આ ગૌચરની જમીનમાંથી વર્ષોથી ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચવા માટે રસ્તાનો ઉપયોગ કરતા હતા. પરંતુ ગૌચર જમીન ખેડી તેની આસપાસ પાળો બાંધી દેવામાં આવતા હવે ખેડૂતો માટે ખેતરે જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે ટ્રેક્ટર, ખેતીના સાધનો તેમજ અન્ય વાહનો લઈને ખેતર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સ્થિતિથી ખેતીકામ પર સીધી અસર પડી રહી છે અને સમયસર ખેતીની કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે.

રજૂઆતમાં ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ ગૌચરની જમીનમાંથી વરસાદી પાણી કુદરતી રીતે વહેતું હતું. પરંતુ હાલ બનાવવામાં આવેલા આડા પાળાને કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ ગયો છે. પરિણામે વરસાદી પાણી એકઠું થઈને દબાણ સાથે નીચે આવેલા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી શકે છે. જેના કારણે પાકને નુકસાન, જમીન ધોવાઈ જવી અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરકારના કાયદા અને વિવિધ પરિપત્રો અનુસાર ગૌચરની જમીન પર દબાણ કરવું કે તેને ખેડવી ગુનાહિત કૃત્ય છે. તેમ છતાં જ્યારે ગ્રામજનોએ આ ગેરકાયદેસર દબાણનો વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે "તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, મારું કોઈ કંઈ બગાડી શકતું નથી." ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ધમકીથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને કાયદાનો કોઈ ડર ન રાખતા ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૌચરની જમીનમાં વર્ષોથી ઊભેલા કિંમતી લીલાછમ વૃક્ષોને પણ કાયદા વિરુદ્ધ કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત સરકારી ગૌચરની જમીનમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી કે રોયલ્ટી વગર ખોદકામ કરી ખનીજ અને પથ્થરની ચોરી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખોદકામથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા પણ તપાસ કરવાની માંગ કરી છે.

ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને ગુજરાત પંચાયત અધિનિયમ તથા જમીન મહેસૂલ કાયદાની જોગવાઈઓ હેઠળ જવાબદારો સામે "ગૌચર દબાણ કેસ" દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે. સાથે જ ગૌચર સર્વે નંબર 316માંથી તમામ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરાવી સરકારી જમીનને મૂળ સ્થિતિમાં પરત લાવવા અને જવાબદારો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગૌચર જાહેર મિલકત છે અને તેના પર થયેલા દબાણથી માત્ર પશુધન માટેની ચરિયાણની જમીન જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોના હિતોને પણ ગંભીર અસર થઈ રહી છે. હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાયેલી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ