જાહેરાત
તાજા સમાચાર
ડીસા-પાટણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે સામસામે અથડામણ, 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત. | જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવની ક્ષણ : 42 NCC કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશસેવામાં જોડાયા, મેજર જનરલ બિમલ મોંગાએ કર્યું સન્માન. | જામનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની વ્યસ્ત મુલાકાત : વિદ્યાર્થીઓ સાથે સંવાદ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચનાઓ. | નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 700 કરોડના કથિત ગોટાળાની તપાસ તેજ : PMO સુધી રજૂઆતો બાદ અધિકારીઓને અહેવાલ સોંપવાની તાકીદ. | પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ : અધિક સચિવ મનીષભાઈ શાહે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત. | જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં વડ પાંચસરા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી. | સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે બની અભિશાપ : કેશોદની યુવતી પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પોરબંદરના GRD જવાનની ધરપકડ. | પ્રભારી સચિવ રાજેશ માંજૂની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ. | 107 ચલણ બાકી! દંડની રકમ બાઈકની કિંમતથી પણ વધુ | શેરબજારમાં મોટો કડાકો : સેન્સેક્સ ૮૯૩ અને નિફ્ટી ૨૭૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૫.૪૧ લાખ કરોડ સ્વાહા. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૩૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

સબરસ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 700 કરોડના કથિત ગોટાળાની તપાસ તેજ : PMO સુધી રજૂઆતો બાદ અધિકારીઓને અહેવાલ સોંપવાની તાકીદ.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 700 કરોડના કથિત ગોટાળાની તપાસ તેજ : PMO સુધી રજૂઆતો બાદ અધિકારીઓને અહેવાલ સોંપવાની તાકીદ.

સરકારી જમીન પર ખાનગી ટ્રસ્ટ ચલાવવાના આક્ષેપો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા ચર્ચામાં

દ્વારકા :
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટ વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવો વળાંક લીધો હોવાનું સામે આવી રહ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ પર સરકારી જમીન પર ખાનગી ટ્રસ્ટ ચલાવી આશરે 700 કરોડ રૂપિયાના કથિત ગોટાળાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક સ્તરેથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી અનેક રજૂઆતો કરવામાં આવતાં તપાસ પ્રક્રિયામાં તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના વહીવટ અને જમીન સંબંધિત મુદ્દાઓને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. વિસ્તારના લોકો, સામાજિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર મુદ્દે અગાઉ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ આસપાસના ગામોના સરપંચો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોના આધારે તત્કાલીન પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે તપાસ બાદ મંદિર પરિસરમાં આવેલી કેટલીક દુકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.

ત્યારબાદ ચેતનભારથી કેશુભારથી ગોસાઈ દ્વારા મંદિર ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અરજદારનો આક્ષેપ છે કે સરકારી જમીનનો ઉપયોગ કરીને ખાનગી ટ્રસ્ટના હિતમાં કામગીરી કરવામાં આવી છે, જેના કારણે મોટા પાયે આર્થિક અનિયમિતતાઓ સર્જાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રજૂઆતો સ્થાનિક કક્ષાથી આગળ વધી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચી હતી. વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચ્યા બાદ સંબંધિત વિભાગો દ્વારા પણ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા આ પ્રકરણમાં પંચરોજકામ કરવામાં આવ્યું હતું અને અરજદારનું રૂબરૂ નિવેદન પણ નોંધવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસના ભાગરૂપે રજૂઆતોમાં કરાયેલા આક્ષેપો, જમીન સંબંધિત દસ્તાવેજો તથા અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

મહત્વની બાબત એ છે કે તપાસ પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ તપાસ અહેવાલ વિના વિલંબે રજૂ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે આ સમગ્ર મામલામાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અથવા કાર્યવાહી થઈ શકે તેવી અટકળો તેજ બની છે.

લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી થાય તો તે ગંભીર કાયદાકીય પ્રક્રિયા માનવામાં આવે છે. જોકે હાલ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી અને તપાસ હજુ ચાલુ હોવાનું માનવામાં આવે છે. તેથી આરોપો અંગે અંતિમ સત્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

દ્વારકા પંથકમાં આ મુદ્દો હાલમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ અરજદારો અને કેટલાક સ્થાનિક આગેવાનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે.

હાલ સંબંધિત તંત્ર દ્વારા દસ્તાવેજી તપાસ, રજૂઆતોની ચકાસણી અને નિવેદનોના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં તપાસ અહેવાલ સામે આવ્યા બાદ આ પ્રકરણમાં શું પગલાં લેવાશે તેના પર સમગ્ર દ્વારકા પંથકની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ