મારું શહેર ભાણવડની પીએમશ્રી ગોગ બતડીયાનેશ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.
ભાણવડની પીએમશ્રી ગોગ બતડીયાનેશ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી
બાલવાટિકાના 43 ભૂલકાંઓનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉષ્માભર્યું સ્વાગત, કન્યા કેળવણીનો સંદેશ થયો પ્રસરિત
ભાણવડ :
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરની તાલુકા શાળા નં. 2 પીએમશ્રી ગોગ બતડીયાનેશ પ્રાથમિક શાળામાં ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવપ્રવેશી બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિક્ષણના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ ફાઈનાન્સ વિભાગના અધિકારી ડો. હાર્દિક પી. પ્રજાપતીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદારશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ વિવિધ આગેવાનો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર 43 જેટલા નાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે બાળકોને આવકારી તેમના શિક્ષણ જીવનની નવી શરૂઆતને યાદગાર બનાવવામાં આવી હતી.
શાળાના પ્રાંગણમાં ઉત્સવી માહોલ વચ્ચે બાળકોનું કુમકુમ તિલક, પુષ્પ સ્વાગત અને શુભેચ્છાઓ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલીઓમાં પણ પોતાના બાળકોના પ્રથમ શાળા પ્રવેશને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિના જીવનનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અત્યંત જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે.
વક્તાઓએ કન્યા કેળવણીના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દીકરીઓનું શિક્ષણ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસ સાથે જોડાયેલું છે. સરકાર દ્વારા દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના સકારાત્મક પરિણામો આજે જોવા મળી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા, શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અને બાળકોના ભવિષ્યના ઘડતરમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, એસએમસીના સભ્યો, વાલીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને નવપ્રવેશી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
શાળા પ્રવેશોત્સવ-2026ના આ કાર્યક્રમથી સમગ્ર શાળા પરિવાર અને વાલીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. શિક્ષણના પવિત્ર યજ્ઞમાં વધુને વધુ બાળકો જોડાય અને વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે તેવો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ મયુર મોદી ભાણવડ