મારું શહેર શહેરા-નાડા રોડ પર વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈ જતો છકડો ઝડપાયો, ચાલક સામે પોલીસની કાર્યવાહી.
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા-નાડા રોડ પર વિદ્યાર્થીઓને છકડામાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં તેમજ અત્યંત જોખમી રીતે લટકાવી અને છત પર બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ બાદ પોલીસે સંબંધિત છકડા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, સ્થાનિક વાલીઓએ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી બસોની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ માંગ ઉઠાવી છે.
વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ છકડાની છત પર અને પાછળ લટકીને મુસાફરી કરતા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમની સૂચના મુજબ એએસઆઈ સિદ્ધરાજસિંહ ચૌહાણ અને પોલીસ ટીમ દ્વારા નાડા બાયપાસ રોડ પર પેટ્રોલિંગ તેમજ ખાનગી વાહનોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતો નંબર ધરાવતો છકડો પોલીસના ધ્યાનમાં આવતા તેને રોકી લેવામાં આવ્યો હતો. તપાસમાં વાહનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને બેસાડીને તેમની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે છકડાને કબજે કરીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કર્યો હતો.

પોલીસે વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
આ અંગે એએસઆઈ સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ખાનગી વાહનચાલકોને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન ભરવા અને વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરાવવા સામે ચેતવણી આપવામાં આવી છે.
ઘટના બાદ સ્થાનિક વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી શાળા અને કોલેજે જતાં વિદ્યાર્થીઓ માટે એસટી બસોની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને મજબૂરીવશ ખાનગી છકડા જેવા વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરવી પડે છે. તેઓએ જણાવ્યું કે અનેક વખત રજૂઆતો છતાં પૂરતી બસો ઉપલબ્ધ કરવામાં આવી નથી.

વાલીઓએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) સમક્ષ માંગ કરી છે કે શાળા શરૂ થવાના અને છૂટવાના સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારો માટે વધારાની એસટી બસો દોડાવવામાં આવે. તેમના મતે જો વિદ્યાર્થીઓને નિયમિત અને સુરક્ષિત જાહેર પરિવહનની સુવિધા મળશે તો આવા જોખમી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ નહીં પડે અને ભવિષ્યમાં ગંભીર અકસ્માતો પણ ટાળી શકાશે.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ