જાહેરાત
તાજા સમાચાર
ભારત-અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ: શંભૂ બોર્ડર સીલ, ગુરનામ સિંહ ચઢૂની કસ્ટડીમાં | આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, ભગવાન બિરસા મુંડા પરિવહન યોજના હેઠળ 139 નવી બસોને લીલી ઝંડી. | રાહુલ ગાંધી રોડ પર સૂઈ ગયા, પોલીસે ઉઠાવી અટકાયત કરી | રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એલર્ટ, SEOCમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક; સંવેદનશીલ વિસ્તારોમાં NDRF-SDRF તૈનાત. | કેશોદના મેસવાણ ગામેથી સગીરાનું અપહરણ, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો. | PM આવાસ બહાર રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ ધરણા પર | શેરબજારમાં નરમાઈ: સેન્સેક્સ 238 પોઈન્ટ તૂટ્યો, SBI ફંડ્સ મેનેજમેન્ટનું 7% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ. | Amazonના ગ્રાહકને આવ્યું ₹130 લાખ કરોડનું બિલ! ટેક્નિકલ ખામીથી મચ્યો હોબાળો, કંપનીએ આપી સ્પષ્ટતા | માધવપુરમાં રૂ. 43.72 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ, યાત્રાધામને મળશે આધુનિક ઓળખ. | મહારાષ્ટ્રમાં પ્રેમિકાનો ખૌફનાક કાંડ! યુવકના.... |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૫ વાર જોવાયેલ 3 કલાક પેહલા

મારું ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એલર્ટ, SEOCમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક; સંવેદનશીલ વિસ્તારોમાં NDRF-SDRF તૈનાત.

રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એલર્ટ, SEOCમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક; સંવેદનશીલ વિસ્તારોમાં NDRF-SDRF તૈનાત.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ કામગીરી તેમજ વિવિધ વિભાગોની પૂર્વતૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

બેઠક દરમિયાન રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ હવામાન વિભાગ દ્વારા રજૂ કરાયેલા સેટેલાઇટ ઈમેજરી અને તાજેતરના હવામાન અનુમાનની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત સહિત જ્યાં ભારે વરસાદની સંભાવના છે તે તમામ વિસ્તારો પર સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ કટોકટી સર્જાય તો સંબંધિત જિલ્લા તંત્ર અને વિભાગોએ તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે. તેમણે તમામ વિભાગો વચ્ચે સંકલન મજબૂત રાખવા અને ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા ખાસ સૂચના આપી હતી.

રાજ્યમાં સંભવિત આપત્તિનો સામનો કરવા માટે NDRF અને SDRFની ટીમોને જરૂરી સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું. ઉપરાંત કોસ્ટગાર્ડ, ભારતીય નેવી, ફાયર સર્વિસ અને સ્થાનિક વહીવટી તંત્રને પણ જરૂરી સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે.

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીની અસરને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 22 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

તે ઉપરાંત 22 અને 23 જુલાઈ દરમિયાન અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ખૂબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 24 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

રાહત કમિશનરે જણાવ્યું કે રાજ્યના મુખ્ય ડેમો અને જળાશયોની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગને જરૂરી હોય ત્યાંથી પાણી છોડવાની પ્રક્રિયા અંગે સતત મોનિટરિંગ રાખવા સૂચના આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને વરસાદના કારણે રસ્તાઓ બંધ થાય તો વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે, જ્યારે ઊર્જા વિભાગે વીજ પુરવઠો ખોરવાય તો તેને ઓછામાં ઓછા સમયમાં પુનઃસ્થાપિત કરવા ઈમરજન્સી ટીમોને સ્ટેન્ડબાય રાખી છે.

 

આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, ભારતીય નેવી, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની કુદરતી આફતનો અસરકારક રીતે સામનો કરવા માટે તમામ વિભાગો વચ્ચે સુમેળપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠે અનાવશ્યક અવરજવર ટાળવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ