જાહેરાત
તાજા સમાચાર
ખંભાળિયા પંથકની સગીરાને ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર બે ભાઈઓને ચાર વર્ષની સજા, રૂ. 2.65 લાખનો દંડ. | ખંભાળિયા નજીક ૧૧૦ લિટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, મહિલા સહિત બે ફરાર. | ધોરાજી-જેતપુર અને ઉપલેટા પંથકમાં મધરાત્રે ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ; જાનહાનિ નહીં. | અગ્નિવીરમાં મેડિકલ પાસ કરાવવાની લાલચ આપી સૂર્યાવદરના યુવક સાથે રૂ. 84 હજારની ઠગાઈ, ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો | સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, બ્રેન્ટ ક્રૂડ ફરી 73 ડોલરને પાર; વૈશ્વિક બજારોમાં અસ્થિરતા યથાવત. | રાજકોટ ગ્રામ્ય SOGનો મોટો સપાટો: ઉપલેટામાંથી રૂ. 8.72 લાખનો ગાંજો જપ્ત, એક આરોપી ઝડપાયો; બે શખ્સો વોન્ટેડ જાહેર. | ચોમાસું સક્રિય બનતા ખરીફ વાવણીને મળી ગતિ, છતાં ગયા વર્ષની સરખામણીએ 21 ટકા ઓછું વાવેતર. | નોકરી મેળવવા માતાની હત્યા! જયપુરમાં દીકરીએ પરિવાર સાથે રચ્યું ખૂની કાવતરું, અકસ્માતનો ભેદ ઉકેલી પોલીસે સાત આરોપીઓની કરી ધરપકડ | અમેરિકાના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, કુવૈત અને બહેરીનમાં મિસાઈલ-ડ્રોન હુમલાથી તણાવ ચરમસીમાએ. | સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સપાટીએ, નર્મદા સહિત અનેક નદીઓમાં પાણીની આવક વધી; અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સપાટીએ, નર્મદા સહિત અનેક નદીઓમાં પાણીની આવક વધી; અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સપાટીએ, નર્મદા સહિત અનેક નદીઓમાં પાણીની આવક વધી; અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

ગુજરાતમાં ચોમાસાએ જોરદાર બેટિંગ શરૂ કરતાં અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે, જ્યાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં નદી-ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અડધાથી વધુ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના વરસાદના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કામરેજમાં 17.40 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ અને સુરત શહેરમાં 14.09 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.

 

ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની ખાડીઓ અને સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

બીજી તરફ દક્ષિણ ગુજરાત ઉપરાંત નર્મદા નદીના ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાતા નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણી આવતાં નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24થી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સતત વરસાદને કારણે નદી, નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. અનેક જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાની સ્થિતિ પણ સર્જાઈ છે.

રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વરસાદી વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી છે.

 

હવામાન વિભાગે નાગરિકોને અનિવાર્ય કામ સિવાય બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા, નદી-નાળા અને ખાડીઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

રાજ્યમાં આગામી થોડા દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તેથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને તમામ સંબંધિત વિભાગોને સતત પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ