મારું ગુજરાત ગુજરાતમાં એનિમિયાનું ચિંતાજનક ચિત્ર: 66.2% મહિલાઓ અને 56.5% બાળકોમાં લોહીની ઊણપ
ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા વર્ષ 2023થી 2025 દરમિયાન કરવામાં આવેલા SAMPADA સર્વેના અંદાજ મુજબ ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથની 66.2 ટકા મહિલાઓ એનિમિયા એટલે કે લોહીની ઊણપથી પીડાઈ રહી છે. એટલું જ નહીં, 12થી 59 મહિનાની વયનાં 56.5 ટકા બાળકોમાં પણ એનિમિયાનું પ્રમાણ નોંધાયું છે. આ આંકડા રાજ્યમાં મહિલાઓ અને બાળકોના પોષણ તથા આરોગ્યની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા કરે છે. ખાસ કરીને પ્રજનનક્ષમ વયની મહિલાઓ અને નાનાં બાળકોમાં એનિમિયાનું ઊંચું પ્રમાણ ચિંતાનો વિષય બન્યું છે.
SAMPADA સર્વેમાં દેશનાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ દરમિયાન 1.7 લાખથી વધુ બ્લડ સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સર્વેના આંકડા મુજબ ગુજરાતમાં 10થી 19 વર્ષની કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ 61.4 ટકા, જ્યારે 20થી 59 વર્ષની મહિલાઓમાં 63.8 ટકા અંદાજવામાં આવ્યું છે. બીજી તરફ, 15થી 49 વર્ષની પ્રજનનક્ષમ વયની મહિલાઓમાં આ પ્રમાણ વધીને 66.2 ટકા સુધી પહોંચ્યું છે. એટલે કે રાજ્યની મહિલાઓના મોટા વર્ગમાં હિમોગ્લોબિનની ઊણપ જોવા મળી રહી છે. એનિમિયાને કારણે થાક, નબળાઈ અને દૈનિક જીવનની કામગીરી પર અસર થવા ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
આ આંકડાઓને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સર્વેના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે એનિમિયાના મામલે ગુજરાત કરતાં માત્ર છત્તીસગઢની સ્થિતિ ખરાબ છે. બીજી તરફ, સર્વેમાં શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. કેરળમાં 10થી 19 વર્ષની કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ 21.4 ટકા, 20થી 59 વર્ષની મહિલાઓમાં 28 ટકા અને 15થી 49 વર્ષની મહિલાઓમાં 29.1 ટકા નોંધાયું છે. આ આંકડાઓની સરખામણી કરતાં જયરામ રમેશે ગુજરાતને વારંવાર 'મોડેલ સ્ટેટ' તરીકે રજૂ કરવામાં આવે છે તે અંગે સવાલો કર્યા છે.
બાળકોમાં એનિમિયાની સ્થિતિ પણ ગુજરાત માટે ચિંતાજનક હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 12થી 59 મહિનાની વયજૂથનાં બાળકોમાં ગુજરાતમાં એનિમિયાનું પ્રમાણ 56.5 ટકા છે, જે સર્વેમાં સૌથી ઊંચા દર તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેની સરખામણીમાં કેરળમાં આ પ્રમાણ માત્ર 14.5 ટકા છે. જોકે, આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રિપોર્ટ જાહેર કરતી વખતે સ્પષ્ટતા કરી હતી કે એનિમિયાના મોટાભાગના કેસ હળવા પ્રકારના છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટાભાગની વયજૂથોમાં ગંભીર એનિમિયાથી પીડિત લોકોનું પ્રમાણ બે ટકાથી ઓછું છે. તેમ છતાં, હળવા અને મધ્યમ પ્રકારના એનિમિયાના ઊંચા પ્રમાણને કારણે પોષણ અને આરોગ્ય સેવાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત ઊભી થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં માર્ચ 2026માં ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતીમાં પણ રાજ્યમાં બાળકોના કુપોષણ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. સરકારના જણાવ્યા મુજબ, રાજ્યના 34માંથી 20 જિલ્લામાં 2.05 લાખથી વધુ બાળકો કુપોષિત નોંધાયા હતા. તેમાંથી આશરે 1.69 લાખ બાળકો 'અંડરવેઇટ' કેટેગરીમાં, જ્યારે 36,805 બાળકો 'સિવિયરલી અંડરવેઇટ' શ્રેણીમાં હતા. જિલ્લામાં પંચમહાલમાં સૌથી વધુ 20,762, બનાસકાંઠામાં 19,391 અને ખેડામાં 18,590 કુપોષિત બાળકો નોંધાયા હતા. હવે SAMPADA સર્વેમાં મહિલાઓ અને બાળકોમાં એનિમિયાનું ઊંચું પ્રમાણ સામે આવતાં રાજ્યમાં પોષણ, આરોગ્ય તપાસ, આયર્નની ઉપલબ્ધતા અને કુપોષણ નિવારણના પ્રયાસો અંગે ચર્ચા તેજ બની છે.