જાહેરાત
તાજા સમાચાર
દ્વારકાધીશના જગતમંદિરમાં 5 હજાર કિલો ફૂલોથી ભવ્ય શણગાર | ગુરુગ્રામમાં તમામ જાહેર સ્થળો અને પાર્ક ‘નો-સ્મોકિંગ ઝોન’ જાહેર, સિગારેટ પીતા પકડાશો તો ₹200નો દંડ | ગુજરાત પોલીસમાં 12,752 લોકરક્ષકની મેગા ભરતી: 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે | ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વે અકાલી દળની NDAમાં વાપસી, PM મોદીએ ગઠબંધનનું કર્યું સ્વાગત | તિરુપતિ બાલાજી મંદિરમાં ₹150 કરોડનું 121 કિલો સોનું દાન કરશે NRI બિઝનેસમેન! | વૈભવ સૂર્યવંશીનો ઐતિહાસિક ધમાકો! 53 બોલમાં ફટકારી 204 રન | ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક લેતા હોવ તો સાવધાન! ICMRના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | ધર્મેન્દ્રના નિધનને એક વર્ષ પૂર્ણ, હેમા માલિનીએ જૂની તસવીરો સાથે વ્યક્ત કર્યું દર્દ | RBIના નવા નિયમો: એક ક્લિકમાં બંધ થશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, છેતરપિંડી સામે મળશે સુરક્ષા | મોરવા હડફના સુલીયાતમાં રૂ. 2.08 કરોડના માર્ગ વિકાસકામોનું ખાતમુહૂર્ત |
પાછા મુખ્ય સમાચાર પર
ધર્મ ૩૧ વાર જોવાયેલ • 12 કલાક પેહલા

ધર્મ જામનગરમાં આજે ભવ્ય ‘પૃથ્વી પરિક્રમા’

જામનગરમાં આજે ભવ્ય ‘પૃથ્વી પરિક્રમા’

 

ખીજડા મંદિરના સ્થાપના દિવસે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં સુંદરસાથજી કરશે પદયાત્રા

જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મના પ્રમુખ તીર્થધામ એવા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આજે 24 નવેમ્બર, 2026 મંગળવારના રોજ કારતક સુદ પૂનમના પાવન અવસરે ભવ્ય ‘પૃથ્વી પરિક્રમા’નું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારી આ ધાર્મિક પદયાત્રા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની પાવન નિશ્રામાં યોજાશે. આ પ્રસંગે જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સુંદરસાથજી અને ધર્મપ્રેમી ભાવિકો જોડાશે તેવી અપેક્ષા છે.

આજે સવારે 6 વાગ્યે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી ધર્મધ્વજા સાથે પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ થશે. આ પદયાત્રામાં જોડાનારા ભાવિકો ભજન-કીર્તન, ધૂન અને મહેર સાગરના ગાન સાથે આગળ વધશે. યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે પદયાત્રીઓ મૂળમિલાવા ખાતે પહોંચશે. મૂળમિલાવા એ એવું પવિત્ર સ્થળ છે, જ્યાં અગાઉ 12,000 પારાયણ સંપન્ન થયાં હતાં. અહીં ભાવિકો માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજન, આરતી, મહેર સાગરના પાઠ અને સત્સંગનો સમાવેશ થાય છે.

મૂળમિલાવા ખાતે ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભાવિકો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૃથ્વી પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને પરત જામનગર આવવા માટે નગરપાલિકાની બસો તેમજ અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના સ્થાપના દિવસ અને કારતક સુદ પૂનમના વિશેષ સંયોગને ધ્યાનમાં રાખીને આ આયોજનને ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયોજકો દ્વારા વધુમાં વધુ સુંદરસાથજી અને ધર્મપ્રેમી લોકોને આ પવિત્ર પદયાત્રામાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

પૃથ્વી પરિક્રમાનું ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરામાં વિશેષ મહત્ત્વ રહેલું છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન ગણેશજીએ પોતાના માતા-પિતા ભગવાન શિવ અને માતા પાર્વતીની પરિક્રમા કરી હતી, જેને સમગ્ર પૃથ્વીની પરિક્રમા સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વતની પૂજા અને પરિક્રમા તેમજ નર્મદા પરિક્રમાનું પણ વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. બુંદેલ નરેશ મહારાજા છત્રસાલે પણ પરિક્રમાના મહાત્મ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે પરિક્રમા કરવાથી જીવના કર્મબંધનમાંથી મુક્તિ મળે છે તેવી ધાર્મિક માન્યતા છે.

મહામતિ શ્રી પ્રાણનાથજીએ શ્રી 5 નવતનપુરી ધામને ચૌદ લોકમાં શ્રેષ્ઠ સ્થાન ગણાવ્યું છે. વીતકકાર અને બ્રહ્મમુનિ પરમહંસજનોની માન્યતા મુજબ અહીં સ્વયં શ્રી રાજશ્યામાજી બિરાજમાન છે અને પરમધામ, વ્રજ, રાસ તથા જાગણીની લીલાઓ પ્રગટ સ્વરૂપે વિદ્યમાન છે. કારતક સુદ પૂનમ શ્રી 5 નવતનપુરી ધામનો સ્થાપના દિવસ હોવાથી આ દિવસે પૃથ્વી પરિક્રમા કરવાનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ હોવાનું માનવામાં આવે છે. આ પવિત્ર અવસરનો લાભ લેવા જામનગર અને આસપાસના વિસ્તારના તમામ સુંદરસાથજીને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી કિંજલભાઈ કારસરીયાની યાદીમાં આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ