સબરસ ગુરુગ્રામમાં તમામ જાહેર સ્થળો અને પાર્ક ‘નો-સ્મોકિંગ ઝોન’ જાહેર, સિગારેટ પીતા પકડાશો તો ₹200નો દંડ
ગુરુગ્રામ: જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હરિયાણાના ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCG) દ્વારા શહેરના તમામ જાહેર સ્થળો અને પાર્કને 'નો-સ્મોકિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 23 નવેમ્બર 2026ના રોજ આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જે તાત્કાલિક અસરથી અમલી બનાવાયો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર નિયંત્રણ લાવવાનો અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાનો છે.
આ આદેશ માત્ર પાર્ક પૂરતો મર્યાદિત નથી. તેના દાયરામાં બજારો, બસ સ્ટેન્ડ, જાહેર પરિવહનનાં સાધનો, ગ્રીન બેલ્ટ, રમતનાં મેદાનો અને ઓપન જીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ, કોમ્યુનિટી સેન્ટર, લાઇબ્રેરી, દવાખાનાં, પાર્કિંગ સ્થળો અને જાહેર શૌચાલયોમાં પણ ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે. સિગારેટ, બીડી, સિગાર સહિત કોઈપણ તમાકુ ઉત્પાદનનું જાહેરમાં સેવન કરી શકાશે નહીં.
નિયમોના ભંગ બદલ સિગારેટ કે બીડી પીતા પકડાયેલા વ્યક્તિને સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (COTPA), 2003 હેઠળ વધુમાં વધુ ₹200નો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, જાહેર સ્થળોએ તમાકુ ખાઈને થૂંકવું તેમજ સિગારેટ કે બીડીનાં ઠૂંઠાં ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા કૃત્યો બદલ કચરા વ્યવસ્થાપનના નિયમો અને મ્યુનિસિપલ બાયલોઝ હેઠળ અલગથી કાર્યવાહી થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને સંબંધિત અધિકારીઓને પોતાના વિસ્તારોમાં આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સોંપી છે. જોઈન્ટ કમિશનરો, મુખ્ય તબીબી અધિકારી (સેનિટેશન) અને હોર્ટિકલ્ચર વિભાગને અમલીકરણની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત શહેરનાં જાહેર સ્થળો અને પાર્કમાં આગામી 15 દિવસમાં 'નો-સ્મોકિંગ ઝોન'નાં સૂચના બોર્ડ લગાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
MCGના જણાવ્યા અનુસાર, જાહેર સ્થળોએ ધૂમ્રપાનથી નીકળતા ધુમાડાના સંપર્કમાં આવવાથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. આ નિર્ણયનો હેતુ લોકોને પરોક્ષ ધૂમ્રપાનથી બચાવવા, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને શહેરને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાનો છે. જોકે, આ આદેશ ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારો માટે લાગુ પડશે.