બિઝનેસ MSME ઉદ્યોગકારોને ગુજરાત સરકારની મોટી ભેટ: GIDC મિલકત ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત.
ગુજરાત સરકારે રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે. GIDCમાં મિલકત ટ્રાન્સફર સંબંધિત વર્ષોથી અટવાયેલા સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્નોના ઉકેલ માટે સરકારે વિશેષ રાહત યોજના જાહેર કરી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) એસોસિએશન અને વિવિધ ઉદ્યોગકારોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9(a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમમાં 80 ટકા સુધીની મોટી છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો MSME ઉદ્યોગકારોને આર્થિક રાહત મળવાની સાથે અટવાયેલા મિલકત ટ્રાન્સફરના કેસોનો પણ ઝડપથી ઉકેલ આવશે.
સરકારની આ વિશેષ યોજના હેઠળ 30 જૂન, 2025 અથવા તે પહેલાં થયેલા GIDC મિલકત સંબંધિત તમામ પાત્ર વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં ફાળવણી પત્રો, શેરના ક્રમિક ટ્રાન્સફર, લીઝ અને સબ-લીઝ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. 1 જાન્યુઆરી, 2018 પહેલાં થયેલા ટ્રાન્સફરના કિસ્સામાં નક્કી કરાયેલ બજાર મૂલ્ય પર વસૂલવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા રાહત આપવામાં આવશે. બાકીની 20 ટકા સ્ટેમ્પ ડ્યુટી નિયમ મુજબના દંડ સાથે ચૂકવવાની રહેશે. જ્યારે 1 જાન્યુઆરી, 2018 પછીના વ્યવહારોમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની છૂટ મળશે અને માત્ર 20 ટકા રકમ દંડ સાથે ભરવાની રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો 20 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને દંડની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં વધુ થાય તો બેમાંથી જે રકમ વધારે હશે તે જ વસૂલવામાં આવશે. આ વ્યવસ્થા દ્વારા ઉદ્યોગકારોને વધુ પડતો આર્થિક બોજ ન પડે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષોથી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓમાં અટવાયેલા અનેક મિલકત ટ્રાન્સફર હવે સરળતાથી પૂર્ણ થઈ શકશે.
આ યોજનાનો લાભ માત્ર માન્ય ઉદ્યોગમ (Udyam Registration) ધરાવતા MSME એકમોને જ મળશે. ઉપરાંત GIDC મિલકતના ટ્રાન્સફર સંબંધિત તમામ દસ્તાવેજોની સરકારી નોંધણી ફરજિયાત રહેશે. સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમ મિલકતના હાલના ફાળવણીકાર અથવા ધારકે ચૂકવવાની રહેશે. જો કોઈ કેસ નાયબ કલેક્ટરના આદેશ સામે અપીલમાં હોય તો જરૂરી સિક્યોરિટી રકમ જમા કરાવી યોજનાનો લાભ લઈ શકાશે. જ્યારે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તેવા અરજદારોએ યોજનાનો લાભ મેળવવા માટે પહેલા સંબંધિત કેસ પાછો ખેંચવો પડશે.
સરકારે ઓડિટ સંબંધિત કેસોમાં પણ ઉદ્યોગકારોને રાહત આપી છે. CAG અથવા અન્ય ઓડિટ દરમિયાન ઊભા થયેલા સ્ટેમ્પ ડ્યુટીના વિવાદોમાં પણ સ્વેચ્છાએ ડ્યુટી ભરનારને આ યોજનાનો લાભ મળશે. આ નિર્ણયથી GIDC વસાહતોમાં વર્ષોથી અટવાયેલા મિલકત દસ્તાવેજોનું નિયમિતીકરણ સરળ બનશે અને ઉદ્યોગકારોને કાનૂની અનિશ્ચિતતામાંથી પણ મુક્તિ મળશે.
જો કે સરકારે કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરી છે. 30 જૂન, 2025 પછી કરવામાં આવેલા દસ્તાવેજો અથવા ટ્રાન્સફર પર આ યોજનાનો લાભ મળશે નહીં. તેમજ જે કિસ્સાઓમાં અગાઉથી જ સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ગઈ હોય અથવા નોટિફિકેશન જાહેર થતાં પહેલાં અંતિમ નિર્ણય થઈ ગયો હોય, તેમને કોઈપણ પ્રકારનું રિફંડ આપવામાં આવશે નહીં. એટલે કે આ યોજના માત્ર પાત્ર અને બાકી રહેલા કેસો માટે જ લાગુ પડશે.
રાજ્ય સરકારના આ નિર્ણયને ઉદ્યોગજગતમાં આવકાર મળ્યો છે. GIDC વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફરના અનેક કેસો વર્ષોથી સ્ટેમ્પ ડ્યુટીના વિવાદોને કારણે અટવાયેલા હતા, જેના કારણે ઉદ્યોગકારોને આર્થિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે 80 ટકા સુધીની સ્ટેમ્પ ડ્યુટી રાહત મળવાથી MSME ક્ષેત્રને નવી ગતિ મળશે, વ્યવસાયિક લેવડદેવડ સરળ બનશે અને રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ પ્રોત્સાહન મળશે.