મારું ગુજરાત ખાદ્ય તેલના ભાવમાં કમરતોડ વધારો: એક વર્ષમાં 18% અને બે વર્ષમાં 56% સુધી ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.
દેશભરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં વિવિધ ખાદ્ય તેલના ભાવમાં 7.26 ટકાથી 18.03 ટકા સુધીનો વધારો નોંધાયો છે, જ્યારે બે વર્ષના ગાળામાં 10.25 ટકાથી 56.13 ટકા સુધીનો ભારે વધારો થયો છે. સતત બે વર્ષ સુધી ભાવ વધતા ખાદ્ય તેલ સામાન્ય પરિવારના માસિક ખર્ચ પર સીધી અસર કરી રહ્યા છે.
બે વર્ષમાં સતત મોંઘા બન્યા માત્ર ખાદ્ય તેલ
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના આંકડા મુજબ, ચોખા, ઘઉંનો લોટ, દાળ, ખાંડ, દૂધ, ઘી સહિત અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન વધારો નોંધાયો છે. એક વર્ષમાં સૌથી વધુ વધારો ડુંગળીના ભાવમાં લગભગ 25 ટકા નોંધાયો હતો, પરંતુ બે વર્ષના ગાળામાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
તેની સામે ખાદ્ય તેલ એવી એકમાત્ર મુખ્ય શ્રેણી છે જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સતત અને સૌથી વધુ ભાવવધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ વધુ ખોરવાયું છે.
ઉત્પાદન વધવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે?
વિશેષજ્ઞોનું માનવું છે કે માત્ર સ્થાનિક ઉત્પાદનના આધારે ભાવ નક્કી થતા નથી. સરકારના આંકડા દર્શાવે છે કે ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું છે.
- વર્ષ 2021-22માં ખરીફ સીઝનમાં તેલીબિયાંનું ઉત્પાદન આશરે 239.72 લાખ ટન હતું.
- વર્ષ 2024-25માં તે વધીને 280 લાખ ટન થયું.
- વર્ષ 2025-26માં અંદાજે 266.68 લાખ ટન ઉત્પાદન નોંધાયું, જે અગાઉના ઘણા વર્ષોની સરખામણીએ હજુ પણ ઊંચું છે.
- કુલ વાર્ષિક ઉત્પાદન છેલ્લા બે વર્ષથી આશરે 430 લાખ ટનની આસપાસ રહ્યું છે.
ગુજરાતમાં 29 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર
ગુજરાત દેશમાં તેલીબિયાંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. રાજ્યમાં આશરે 29 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર થાય છે. હાલની ખરીફ સિઝનમાં દેશમાં લગભગ 172.32 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 1.19 લાખ હેક્ટર વધુ છે.
ભાવવધારાથી સામાન્ય લોકો પર બોજ
ખાદ્ય તેલના વધતા ભાવના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના માસિક રસોડા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સિંગતેલ, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ અને પામ તેલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર ઘરગથ્થુ બજેટ પર પડી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત ખર્ચ, વૈશ્વિક પુરવઠાની સ્થિતિ અને વિનિમય દર જેવા પરિબળો પણ સ્થાનિક બજારમાં ખાદ્ય તેલના ભાવને અસર કરે છે.
ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવ વચ્ચે ગ્રાહકો હવે સરકાર પાસેથી ભાવ નિયંત્રણ અને બજારમાં સ્થિરતા લાવવા માટે અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.