પાછા મુખ્ય સમાચાર પર
સબરસ
૧૭ વાર જોવાયેલ
•
8 કલાક પેહલા
સબરસ CJP શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડગ: સરકારે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો, પેપર લીક સામે કડક કાયદાની તૈયારી.
નવી દિલ્હી: NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિને શાંત કરવા માટે પ્રયાસો તેજ કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક જેવા ગંભીર ગુનાઓ સામે વધુ કડક સજાની જોગવાઈ ધરાવતા નવા બિલને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પેપર લીક સામે કડક કાર્યવાહી અને દોષિતોને કાયદા મુજબ સજા અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ સરકારે કાયદાકીય પ્રક્રિયાને ઝડપી બનાવવાના સંકેત આપ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ પેપર લીકના દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. હાલ અમલમાં રહેલા કાયદા મુજબ 3થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીના દંડની જ જોગવાઈ છે. ઉપરાંત પેપર લીક સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટ રચવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી બેઠકમાં CJPના પ્રતિનિધિઓએ સ્પષ્ટ જણાવ્યું કે તેમની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે અને આ મુદ્દે તેઓ કોઈપણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી.
CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ બેઠક બાદ જણાવ્યું કે સરકારે તેમની બે મુખ્ય માંગણીઓ પર સૈદ્ધાંતિક રીતે સહમતિ દર્શાવી છે. તેમાં NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને ₹1 કરોડનું વળતર આપવાની દરખાસ્ત તેમજ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા FIR અને અન્ય કાનૂની કેસો પાછા ખેંચવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જોકે શિક્ષણ મંત્રીના રાજીનામાના મુદ્દે સરકારે અંતિમ નિર્ણય માટે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો હોવાનું CJPએ જણાવ્યું છે.
આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની મુખ્ય માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આંદોલન દરમિયાન 20 જુલાઈએ વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ વાટાઘાટોને "સૌહાર્દપૂર્ણ" ગણાવી હતી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ ઉપરાંત પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે પાંચ મહત્વપૂર્ણ સૂચનો પણ રજૂ કર્યા છે. આ તમામ મુદ્દાઓ પર વધુ ચર્ચા કરવા માટે શનિવારે બપોરે ફરી બેઠક યોજાશે, જેમાં બાકી રહેલા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સમાચાર શેર કરો: