સબરસ ચમોલીમાં ટનલ ધસી પડતાં હાહાકાર: 7 શ્રમિકોના મોત, 14 ઈજાગ્રસ્ત; એક હજુ લાપતા, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્.
THDCના વિષ્ણુગાડ-પીપલકોટી હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં અકસ્માત; કાટમાળ અને પાણી ઘૂસતાં શ્રમિકો ફસાયા, SDRF-NDRFની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક ગંભીર ટનલ અકસ્માતે ચકચાર મચાવી છે. પીપલકોટી ખાતે THDCના વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભારે માત્રામાં કાદવ, કાટમાળ અને પાણી અંદર ઘૂસી આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના સમયે ટનલની અંદર કુલ 22 શ્રમિકો કામ કરી રહ્યા હોવાનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે. અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 20 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 7 શ્રમિકોના મોત થયા છે અને 14 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે હજુ એક શ્રમિક લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાપતા શ્રમિકને શોધવા માટે રેસ્ક્યૂ ટીમો સતત પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના સાંજે આશરે 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી અંદાજે 1.5થી 1.8 કિલોમીટર અંદરના વિસ્તારમાં આવેલી એક કેવિટીમાંથી અચાનક કાદવ, પાણી અને કાટમાળનો મોટો જથ્થો ટનલમાં ધસી આવ્યો હતો. જેના કારણે અંદર કામ કરી રહેલા શ્રમિકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF અને NDRF સહિતની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે મશીનરીની મદદથી ટનલમાં ભરાયેલો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ટનલમાં ભરાયેલું પાણી બહાર કાઢવા માટે ત્રણ મોટા પંપ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જોકે, કાદવ અને પાણીનો પ્રવાહ વધતા બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક વખત કામગીરીને કામચલાઉ રીતે અટકાવવી પડી રહી છે.
અકસ્મતમાં બહાર કાઢવામાં આવેલા 14 ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઘાયલોમાં કેટલાક શ્રમિકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મૃતકોમાં ઉત્તરાખંડના તેહરી અને ચમોલીના રહેવાસીઓ ઉપરાંત બિહાર અને ઝારખંડના શ્રમિકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં પણ મોટાભાગના શ્રમિકો ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પંજાબ અને હિમાચલ પ્રદેશના એક-એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્તોમાં હોવાનું જણાવાયું છે. અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ ઘાયલોને જરૂરી તબીબી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને ગંભીર દર્દીઓને જરૂર પડે તો ઉચ્ચ તબીબી કેન્દ્રમાં ખસેડવાની તૈયારી પણ રાખવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના નિર્દેશો આપ્યા છે. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને બચાવ એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ટનલની અંદરની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ ટીમો કાટમાળ હટાવવાની સાથે લાપતા શ્રમિક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટનલની અંદર વધુ પાણી કે કાટમાળ ન ધસી આવે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
ચમોલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદની સ્થિતિ પણ જોવા મળી રહી છે, જેના કારણે દુર્ઘટનાના સ્થળે બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે. ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં નાળા અને નદીઓમાં અચાનક પાણીનું સ્તર વધી રહ્યું છે. તાજેતરમાં તમક નાલામાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પાણીના ભારે પ્રવાહમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલો લોખંડનો પુલ પણ તણાઈ ગયો હતો. પહાડી વિસ્તારમાં સતત વરસાદ, કાદવ અને પાણીના વધતા પ્રવાહ વચ્ચે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું છે. છતાં SDRF, NDRF, પોલીસ અને અન્ય ટીમો દ્વારા રેસ્ક્યૂ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. હવે સમગ્ર તંત્રની નજર લાપતા શ્રમિકને સુરક્ષિત બહાર કાઢવા અને ટનલને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવાની કામગીરી પર છે.