જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૭૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું ગુજરાત ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો તમાકુના બંધાણી.

ગુજરાતમાં 14 વર્ષથી પ્રતિબંધ છતાં રૂ. 3 હજાર કરોડના તમાકુ-પાન મસાલાનું વેચાણ, 100માંથી 38 પુરુષો તમાકુના બંધાણી.

ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટિનયુક્ત પાન મસાલા પર છેલ્લા 14 વર્ષથી પ્રતિબંધ અમલમાં હોવા છતાં તેનું વેચાણ યથાવત્ હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં દર વર્ષે અંદાજે રૂ. 3 હજાર કરોડથી વધુના તમાકુ અને પાન મસાલાનું વેચાણ થતું હોવાનું અનુમાન છે, જ્યારે 15 વર્ષથી વધુ વયના 38.4 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે.

પ્રતિબંધ છતાં બજારમાં ખુલ્લેઆમ વેચાણ

રાજ્ય સરકારે ગુટખા, તમાકુ તથા નિકોટિનયુક્ત પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સતત 14માં વર્ષે પ્રતિબંધ લંબાવ્યો છે. જોકે, પ્રતિબંધ હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં આવી પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ હોવાનું જોવા મળે છે.

દર 100માંથી 38 પુરુષો તમાકુનું સેવન કરે છે

વર્ષ 2023-24ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) અનુસાર ગુજરાતમાં 15 વર્ષથી વધુ વયના 38.40 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ કોઈને કોઈ પ્રકારના તમાકુનું સેવન કરે છે. આ આંકડામાં સિગારેટ, બીડી, ખૈની, માવો, ગુટખા, ચાવવાનું તમાકુ સહિત તમામ પ્રકારના તમાકુનો સમાવેશ થાય છે.

મોઢાના કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો

રાજ્ય સરકારના દસ્તાવેજો મુજબ ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ સહિતના સંશોધનોમાં ગુટખા અને તમાકુના સેવનને મોઢાના કેન્સરનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. તેમ છતાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અટકતું નથી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કેન્સર હોસ્પિટલમાં નોંધાયેલા મોઢા અને ગળાના કેન્સરના કેસો પણ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.

  • વર્ષ 2021 – 4,643 કેસ
  • વર્ષ 2022 – 4,532 કેસ
  • વર્ષ 2023 – 4,484 કેસ
  • વર્ષ 2024 – 4,648 કેસ
  • વર્ષ 2025 – 4,803 કેસ

દિવસમાં અનેક વખત તમાકુનું સેવન

એક અભ્યાસ મુજબ ગુજરાતમાં કેટલાક લોકો દિવસમાં 8થી 10 વખત સુધી તમાકુનું સેવન કરે છે. ગુટખા, માવો, તમાકુ અને ચૂના જેવી સ્મોકલેસ પ્રોડક્ટ્સનો વ્યાપક ઉપયોગ રાજ્યમાં જાહેર આરોગ્ય માટે ગંભીર પડકાર બની રહ્યો છે.

જાહેર આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પ્રતિબંધ લાદવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. તેના માટે કડક અમલવારી, સતત દરોડા, જનજાગૃતિ અભિયાન અને તમાકુ છોડાવવા માટે અસરકારક કાર્યક્રમોની જરૂરિયાત છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ