જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૫ વાર જોવાયેલ • 55 મિનિટ પેહલા

ટૉપ ન્યૂઝ ટ્રાન્સમિશન લાઇનના વળતરને લઈને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

ટ્રાન્સમિશન લાઇનના વળતરને લઈને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇન અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે અસરગ્રસ્ત જમીનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિ સહિતના અરજદારોએ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોના હક્કો અને વળતર અંગે રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા ટ્રાન્સમિશન લાઇનની કામગીરી શરૂ કરતા પહેલાં જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત જમીનની વિગતોમાં ફેરફારો થયા છે અને કેટલાક ખેડૂતોના નામોમાં પણ ભૂલો રહેલી છે. તેથી જમીનના રેકોર્ડમાં તમામ જરૂરી સુધારા પૂર્ણ કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, રેકોર્ડમાં ભૂલો રહેતી હોય તો વળતર નક્કી કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ખેડૂત સમિતિએ વધુમાં રજૂઆત કરી છે કે બજાર ભાવ નક્કી કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે, પરંતુ ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત કરનાર કંપની દ્વારા એમઆરસી અંગે ખેડૂતોને અગાઉથી કોઈ નોટિસ કે લેખિત જાણ કરવામાં આવી નહોતી. સાથે જ કલેક્ટર કચેરીની નોટિસમાં 14 દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના મતે આ પ્રક્રિયાથી તેમના કાયદાકીય હિતોને નુકસાન થઈ શકે છે.

આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા ઈલેક્ટ્રિસિટી એક્ટ, 2003 અને ટેલીગ્રાફ એક્ટ, 1885ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ટ્રાન્સમિશન કંપનીને ઈલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164 હેઠળ ટેલીગ્રાફ ઓથોરિટીની સત્તાઓ આપવામાં આવી હોય તો પણ ટેલીગ્રાફ એક્ટની કલમ 10(ડી) મુજબ જમીનધારકોને થયેલા નુકસાનના વળતરની જોગવાઈનું પાલન થવું જોઈએ. ખેડૂતો રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને ઠરાવ કરતાં કેન્દ્રીય કાયદાની જોગવાઈઓને પ્રાથમિકતા આપવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂત સમિતિએ જણાવ્યું છે કે ઊર્જા વિભાગના 4 જુલાઈ, 2026ના ઠરાવ અને 31 જુલાઈ, 2026ની માર્ગદર્શિકા અંગે અગાઉ પણ વિવિધ ગામોની પંચાયતના ઠરાવો સાથે કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોનો દાવો છે કે આ માર્ગદર્શિકા મુજબ આપવામાં આવતું વળતર ટેલીગ્રાફ એક્ટ હેઠળના તેમના સંપૂર્ણ વળતરના હક્કને મર્યાદિત કરે છે. આ મુદ્દે જામનગર જિલ્લાના વિવિધ ગામોએ પણ ઠરાવો કરીને વિરોધ નોંધાવ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.

ખેડૂતો દ્વારા એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે વંશપરંપરાગત જમીન ધરાવતા ખેડૂતો સામે ટ્રાન્સમિશન કંપની કયા કાયદાકીય આધારે ફરિયાદી બની શકે છે. કંપની દ્વારા ખેડૂતો સામે ફરિયાદો દાખલ કરી તેમને આરોપીની સ્થિતિમાં મૂકવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોની માંગ છે કે આવી કાર્યવાહી અટકાવવામાં આવે અને ખેડૂતો સામે અન્યાયી ફરિયાદો ન કરવામાં આવે.

અંતે, જામનગર જિલ્લા ખેડૂત સમિતિ અને અન્ય અરજદારોએ કલેક્ટરને વિનંતી કરી છે કે ખેડૂતોના કાયદાકીય હક્કો, જમીનના રેકોર્ડ અને યોગ્ય વળતરના મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે. ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટિસ તાત્કાલિક અસરથી દફતરે કરવા એટલે કે રદ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને એકતરફી કાર્યવાહી આગળ વધારવામાં આવશે તો તેના પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ