અકસ્માત પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત! બસ અને LPG ટેન્કરની ટક્કર બાદ આગ, 10નાં મોત અને 27 ઘાયલ
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મકરાન કોસ્ટલ હાઇવે પર પેસેન્જર બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર થતાં જ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો અંદર જ ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, આ ગમખ્વાર અકસ્માત ગુરુવારે સવારે આશરે 10:30 વાગ્યે બલૂચિસ્તાનના ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં બાસોલ નજીક સર્જાયો હતો. મકરાન કોસ્ટલ હાઇવે પર આવેલી પોલીસ ચેકપોઇન્ટ નજીક પેસેન્જર બસ અને LPG ટેન્કર વચ્ચે આ ટક્કર થઈ હતી. તુર્બતથી કરાચી તરફ જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસની કરાચીથી ઈરાન-ગાબાદ સરહદ તરફ ગ્વાદર નજીક જઈ રહેલા LPG ગેસ ટેન્કર સાથે અથડામણ થઈ હતી.
બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની થોડી જ ક્ષણોમાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. બસમાં આગ ફેલાતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગ અને ધુમાડાના કારણે મુસાફરોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક મુસાફરો બસની અંદર ફસાઈ જતાં બચાવ કામગીરી પણ મુશ્કેલ બની હતી.
આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઓરમારાના ડીએસપી નબી બખ્શ રૂંઝાના જણાવ્યા અનુસાર, આગમાં દાઝી જવાથી 10 લોકોનાં મોત થયાં છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝેલા લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
મકરાન કોસ્ટલ હાઇવે પર બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને જોખમી ગેસ ટેન્કરોના પરિવહન અંગે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને LPG જેવા જ્વલનશીલ ગેસનું પરિવહન કરતા વાહનો સાથે અકસ્માત થાય ત્યારે મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થવાની આશંકા રહે છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.