મારું ગુજરાત ગુજરાત રાજ્ય બીજ નિગમનો રાજ્ય સરકારને રૂ. 6.33 કરોડનો ડિવીડન્ડ, મુખ્યમંત્રીને ચેક અર્પણ.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય બીજ નિગમે વર્ષ 2024-25 માટેના ડિવીડન્ડ પેટે રૂ. 6.33 કરોડનો ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કૃષિ મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા આ ચેક મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો હતો. વર્ષ 2024-25 માટે નિગમે 169 ટકાના દરે ડિવીડન્ડ જાહેર કરીને રાજ્ય સરકારને આ રકમ ચૂકવી છે.
રાજ્યના ખેડૂતોને શુદ્ધ, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત રાજ્ય બીજ નિગમ કાર્યરત છે. પોતાની સ્થાપના પછીથી નિગમે સતત સારું પ્રદર્શન કરીને અત્યાર સુધીમાં રાજ્ય સરકારને કુલ રૂ. 42.82 કરોડનું ડિવીડન્ડ ચૂકવ્યું છે, જે તેની કાર્યક્ષમતા અને નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે.
રાજ્યમાં અને રાજ્ય બહાર 'ગુરાબિની' બ્રાન્ડ હેઠળ વેચાતા બિયારણોને ખેડૂતોમાં વિશેષ વિશ્વાસ અને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. નિગમે શરૂઆતના વર્ષોમાં માત્ર 1,070 ક્વિન્ટલ ઉત્પાદન અને 835 ક્વિન્ટલ વિતરણથી સફર શરૂ કરી હતી, જ્યારે આજે વર્ષ 2024-25માં તે વધીને 3 લાખ 34 હજાર 739 ક્વિન્ટલ ઉત્પાદન અને વિતરણ સુધી પહોંચી ગયું છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યમાં વિવિધ પાકોના પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વિતરણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ, નિગમ રાજ્યની કુલ જરૂરિયાત સામે મસાલા પાકોમાં 30 ટકા, ધાન્ય પાકોમાં 19 ટકા, કઠોળ પાકોમાં 14 ટકા તેમજ તેલિબિયા પાકોમાં 10 ટકા પ્રમાણિત બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીના, ગુજરાત રાજ્ય બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજપૂત તેમજ નિગમના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય બીજ નિગમ ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા, કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા અને રાજ્યના કૃષિ વિકાસને વધુ ગતિ આપવા માટે સતત પ્રયાસશીલ છે. વર્ષ દર વર્ષ વધતું ઉત્પાદન અને રાજ્ય સરકારને ચૂકવવામાં આવતો ડિવીડન્ડ નિગમની સફળ કામગીરીનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.