મારું ગુજરાત ખાતર વિતરણમાં પારદર્શિતા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: કાળાબજારી, ટેગિંગ અને સંગ્રહખોરી રોકવા વિશેષ તપાસ ટીમોની નિમણૂક.
ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને સબસિડાઈઝ્ડ રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ઉપલબ્ધ થાય તે માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે રાજ્યભરમાં ખાતર વિતરણ વ્યવસ્થાની કડક દેખરેખ માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ ટીમોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.
કાળાબજારી અને ટેગિંગ સામે કડક કાર્યવાહી
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સબસિડાઈઝ્ડ ખાતરનો બિન-કૃષિ અથવા ઔદ્યોગિક ઉપયોગ, કૃત્રિમ અછત ઊભી કરવા માટેની સંગ્રહખોરી, કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા સાથે અન્ય પ્રોડક્ટ્સનું ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓ હવે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ખેડૂતોના હિતોની સુરક્ષા માટે સમગ્ર રાજ્યમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવશે.
ટોપ યુરિયા ડીલર્સની પણ થશે ચકાસણી
રાજ્ય સરકારે નિમેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈને POS મશીનના વેચાણના આંકડા અને વાસ્તવિક સ્ટોકની સરખામણી કરશે. ઉપરાંત દરેક જિલ્લામાં સૌથી વધુ યુરિયાનું વેચાણ કરતા ટોપ ડીલર્સની વિશેષ તપાસ કરવામાં આવશે.
તપાસ દરમિયાન નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે:
- ખેડૂતોને માંગ મુજબ ખાતર મળી રહ્યું છે કે નહીં.
- યુરિયા સાથે અન્ય ખાતર અથવા પ્રોડક્ટનું બિનજરૂરી ટેગિંગ કરવામાં આવે છે કે નહીં.
- સ્ટોકમાં કોઈ ગેરરીતિ અથવા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે કે નહીં.
- ખાતરનું વેચાણ નિયત ભાવથી વધુ કિંમતે તો નથી થતું.
ખાતરનો બિન-કૃષિ ઉપયોગ અટકાવવા વિશેષ દેખરેખ
તપાસ અધિકારીઓ યુરિયાનો ઉપયોગ કરતી વિવિધ ઔદ્યોગિક એકમોની પણ મુલાકાત લેશે. શંકાસ્પદ કિસ્સાઓમાં યુરિયાના નમૂનાઓ એકત્ર કરીને તેની તપાસ કરવામાં આવશે, જેથી સબસિડાઈઝ્ડ ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ અથવા ડાયવર્ઝન અટકાવી શકાય.
કંટ્રોલ રૂમથી થશે રોજિંદું મોનિટરિંગ
આ સમગ્ર તપાસ વ્યવસ્થાની અસરકારક અમલવારી માટે રાજ્ય સરકારે ઝોનવાઈઝ નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક પણ કરી છે. તપાસ અધિકારીઓની કામગીરી પર નિરીક્ષણ અધિકારીઓ સતત નજર રાખશે, જ્યારે રાજ્યના ખેતી નિયામક કચેરી દ્વારા કંટ્રોલ રૂમ મારફતે રોજબરોજ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવશે.
ગેરરીતિ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જો કોઈ ડીલર અથવા એજન્સી સ્ટોકમાં ગેરરીતિ, વધુ ભાવ વસૂલવા, ટેગિંગ, સંગ્રહખોરી કે અન્ય કોઈ અનિયમિતતા માટે જવાબદાર જણાશે તો તેમની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખેડૂતોના હિત માટે સરકાર પ્રતિબદ્ધ
રાજ્ય સરકારે પુનરોચ્ચાર કર્યો છે કે ખેડૂતોને સમયસર, પૂરતા પ્રમાણમાં અને યોગ્ય કિંમતે ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ કરાવવું સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નવા નિર્ણયથી ખાતર વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે, કાળાબજારી અને ગેરરીતિઓ પર અંકુશ આવશે તેમજ ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના ખાતર ઉપલબ્ધ થઈ શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.