ટૉપ ન્યૂઝ અમદાવાદ એરપોર્ટ પર કેબ મુસાફરોના ખિસ્સા પર ભાર, Ola-Uber સહિત ટેક્સી માટે નવા ચાર્જ લાગુ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે SVPI એરપોર્ટ પર કોમર્શિયલ ટેક્સી માટે નવા ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગુરુવારથી Ola, Uber અને Rapido જેવી એપ આધારિત કેબ સહિત કોમર્શિયલ ટેક્સીઓ માટે નવો એન્ટ્રી ચાર્જ અમલમાં મૂકાયો છે. હવે એરપોર્ટ પર મુસાફરોને ડ્રોપ કરવા આવતી ટેક્સી માટે 50 રૂપિયા અને પિક-અપ માટે 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
નવા નિયમ મુજબ આ ચાર્જ ટેક્સી ડ્રાઇવરો દ્વારા સીધો મુસાફરો પાસેથી વસૂલવામાં આવશે. એટલે એરપોર્ટ પરથી કેબ બુક કરાવતા મુસાફરોના કુલ ભાડામાં આ વધારાનો ખર્ચ જોડાઈ શકે છે. ખાસ કરીને પિક-અપ માટે 200 રૂપિયાનો ચાર્જ નક્કી કરાતા એરપોર્ટથી શહેર તરફ કેબ મારફતે મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. ડ્રોપ-ઓફ માટે જોકે 50 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે.
નવા એન્ટ્રી ચાર્જની સાથે એરપોર્ટ પર કોમર્શિયલ વાહનો માટે નવી પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ ઉમેદ નજીક કોમર્શિયલ વાહનો માટે નવું પાર્કિંગ સ્થળ નિયત કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હેઠળ કેબ અને અન્ય કોમર્શિયલ વાહનોને નિયત સ્થળે રોકાવાનું રહેશે. વાહન કેટલો સમય પાર્ક રહે છે તેના આધારે પાર્કિંગ ચાર્જમાં પણ ફેરફાર થઈ શકે છે.
ટર્મિનલ-1 એટલે કે T1 પર ખાનગી કાર માટે પાર્કિંગના નિયમોમાં પણ નવા દર લાગુ કરવામાં આવ્યા છે. ખાનગી કારને પ્રથમ 8 મિનિટ સુધી પિક-અપ માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. જોકે 8 મિનિટ બાદ વાહન રોકવામાં આવે તો 8થી 30 મિનિટ માટે 150 રૂપિયા અને 30થી 60 મિનિટ માટે 200 રૂપિયાનો ચાર્જ લાગશે. એટલે ટૂંકા સમય માટે આવતા વાહનચાલકોને નિર્ધારિત સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે.
કોમર્શિયલ કાર માટે T1 ખાતેના ચાર્જમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ 8 મિનિટનો ચાર્જ અગાઉ 150 રૂપિયા હતો, જે હવે વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યો છે. જો કોમર્શિયલ વાહન 30થી 60 મિનિટ સુધી રોકાય તો 300 રૂપિયા ચૂકવવાના રહેશે. નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી વાહન રોકાય તો સમય પ્રમાણે વધારાનો ચાર્જ લાગુ થવાની શક્યતા રહેશે.
ટર્મિનલ-2 એટલે કે T2 પર પણ કેબ માટે 200 રૂપિયાનો પિક-અપ ચાર્જ અને 50 રૂપિયાનો ડ્રોપ-ઓફ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. અહીં પણ જો કેબ અથવા અન્ય કોમર્શિયલ વાહન નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રોકાય તો વધારાનો ચાર્જ લાગુ થશે. તેથી મુસાફરોને કેબ બુક કરતી વખતે ડ્રાઇવર પાસેથી ભાડા ઉપરાંત એરપોર્ટ ચાર્જ અંગેની માહિતી મેળવી લેવી ઉપયોગી રહેશે.
દરમિયાન, એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ નવા ચાર્જની સાથે ટેક્સી ડ્રાઇવરો માટે કેટલીક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડ્રાઇવરો માટે ચોખ્ખા પીવાના પાણી માટે વૉટર પ્યુરિફાયર, આરામ કરવા માટે રેસ્ટિંગ ઝોન અને સ્વચ્છ વૉશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ડ્રાઇવરોની સુવિધા માટે કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર કેબ અને કોમર્શિયલ વાહનો માટે નવા ચાર્જ સાથે નવી પાર્કિંગ વ્યવસ્થા અને ડ્રાઇવરો માટે સુવિધાઓ પણ અમલમાં આવી છે.