મારું શહેર માધવપુર ઘેડમાં ગંદા ગટરના પાણીથી લોકો પરેશાન, જાહેર માર્ગ પર ગંદકી મુદ્દે અનુસૂચિત જાતિના રહેવાસીઓમાં રોષ.
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામમાં જાહેર માર્ગ પર ગંદા ગટરનું પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગામના અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યાના કારણે સમગ્ર વિસ્તારના લોકોનું દૈનિક જીવન મુશ્કેલીભર્યું બની ગયું છે.
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, ઉપરવાસ તરફથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને અને ઈરાદાપૂર્વક જાહેર માર્ગ પર ગંદા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. વિસ્તાર નીચાણવાળો હોવાથી આ ગંદુ પાણી ઘરોની સામે જમા થઈ જાય છે અને ઘણી વખત ગોઠણ સુધી પાણી ભરાઈ રહે છે. જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર નીકળવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે સૌથી વધુ અસર મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને થઈ રહી છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે, જ્યારે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આ ઉપરાંત ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા નવી નથી. ગંદા પાણીના નિકાલ અંગે અગાઉ પણ અનેક વખત ગ્રામ પંચાયત સહિતના જવાબદાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
રહેવાસીઓનું કહેવું છે કે જાહેર માર્ગ પર ગંદુ પાણી ભરાવું માત્ર અસુવિધાનો મુદ્દો નથી પરંતુ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. ચોમાસાની ઋતુમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે અને પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધી શકે છે. જેથી તાત્કાલિક સ્થળ તપાસ કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત તેમજ સંબંધિત વિભાગોને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરવામાં આવે, જાહેર માર્ગ પર ગંદા પાણી છોડવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે અને જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેની ઓળખ કરીને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
સ્થાનિક સમાજની માંગ છે કે ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ઉભી ન થાય તે માટે કાયમી નિકાલ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જન આરોગ્ય સાથે ચેડાં કરનારી આવી પ્રવૃત્તિઓ સામે તંત્ર ગંભીરતા દાખવી તાત્કાલિક પગલાં ભરે અને લોકોને સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ મળે તેવી અપેક્ષા હાલ ગ્રામજનો રાખી રહ્યા છે.
રીપોર્ટર: સુભાષ માવદીયા