મારું શહેર જામનગરમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર.
જામનગર ખાતે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ગ્રામ વિકાસ, શ્રમિક કલ્યાણ, રોજગાર અને વિવિધ સરકારી યોજનાઓની કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે જ યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, 'લખપતિ દીદી' પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તેમજ સ્વચ્છ ભારત મિશન જેવી યોજનાઓની હાલની સ્થિતિ અને લાભાર્થીઓ સુધી પહોંચ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે દ્વારા યોજનાઓની કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.

રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પણ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા રોજગાર અધિકારી શ્રીમતી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળા, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી કેન્દ્ર, અનુબંધમ પોર્ટલ તેમજ વિવિધ તાલીમ કાર્યક્રમોની માહિતી રજૂ કરી હતી. મંત્રીશ્રીએ યુવાનોને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે કામગીરીમાં વધુ ગતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રમિકોના હિત માટે અમલમાં રહેલી યોજનાઓની પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા બોનસ, ગ્રેચ્યુઈટી, શ્રમિકોને કરવામાં આવેલા વિવિધ ચૂકવણાં તેમજ અસંગઠિત શ્રમયોગીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ કચેરીના મહેકમ અને કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કાર્યરત કારખાનાઓ, જોખમી ઔદ્યોગિક એકમો, અકસ્માત નિવારણ માટે લેવામાં આવેલા પગલાં તેમજ વર્ષ 2026 દરમિયાન યોજાયેલી ઓફ-સાઈટ ઈમરજન્સી મોકડ્રિલ અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળ ચાલી રહેલી કામગીરી અને સલામતીના ધોરણો અંગે પણ મંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ અમલમાં રહેલી વિવિધ યોજનાઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઈ-નિર્માણ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને શ્રમિક અન્નપૂર્ણા યોજના સહિતના લાભો વધુમાં વધુ શ્રમિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકના અંતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તમામ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકારી યોજનાઓનો હેતુ માત્ર અમલીકરણ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ તેનો વાસ્તવિક લાભ સમાજના અંતિમ છેવાડાના વ્યક્તિ સુધી સમયસર પહોંચવો જોઈએ. તેમણે અધિકારીઓને પારદર્શિતા, જવાબદારી અને સમયબદ્ધ કામગીરી સાથે દરેક પાત્ર લાભાર્થીને યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. આવી સમીક્ષા બેઠકો દ્વારા વિભાગોની કામગીરી વધુ અસરકારક બનશે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુ વિસ્તરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.