સ્પોર્ટ્સ સેન્ડપેપરગેટ વિવાદ ફરી ચર્ચામાં: એબી ડી વિલિયર્સનો ઓસ્ટ્રેલિયન ટીમ પર ગંભીર આરોપ
વર્ષ 2018માં ક્રિકેટ જગતને હચમચાવી દેનારો ‘સેન્ડપેપરગેટ’ બોલ ટેમ્પરિંગ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટર એબી ડી વિલિયર્સે આ મામલે મોટો દાવો કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, કેપટાઉન ટેસ્ટ દરમિયાન મેદાન પર હાજર ઓસ્ટ્રેલિયન ટીમના તમામ ખેલાડીઓને બોલ ટેમ્પરિંગની જાણકારી હતી.
ડી વિલિયર્સે પોતાના યુટ્યુબ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી શ્રેણીની શરૂઆતથી જ બોલ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની તેમને શંકા છે. તેમના મતે, ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બોલ અસામાન્ય રીતે વહેલો રિવર્સ સ્વિંગ થવા લાગ્યો હતો. ડી વિલિયર્સે કહ્યું કે, તેઓ આ મેદાન પર ઘણું ક્રિકેટ રમ્યા છે અને આવી સ્થિતિ સામાન્ય નહોતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, બોલ સાથે સેન્ડપેપરનો ઉપયોગ થયો હતો કે અન્ય કોઈ વસ્તુનો, તે મુદ્દો નથી; મેદાન પર નિયમ વિરુદ્ધ કંઈક કરવાની પૂર્વનિયોજિત યોજના હતી તે જ મુખ્ય બાબત છે.
આ વિવાદને ફરી હવા મળવાનું કારણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર ઉસ્માન ખ્વાજા અને કેમેરોન બેનક્રોફ્ટનાં તાજેતરનાં નિવેદનો છે. ખ્વાજાએ પોતાના પુસ્તક ‘સબર’માં દાવો કર્યો હતો કે, વર્ષ 2018ની કેપટાઉન ટેસ્ટ દરમિયાન ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બોલ ટેમ્પરિંગની જાણકારી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ બોલ સાથે ચેડાં થયાં હતાં. બેનક્રોફ્ટે પણ અગાઉની ટેસ્ટમાં સેન્ડપેપરના ઉપયોગ અંગે ખુલાસો કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ડી વિલિયર્સે આ દાવાઓને સમર્થન આપતાં કહ્યું કે, બોલ રિવર્સ સ્વિંગ થવા પાછળ કોઈ કારણ હોય છે અને ખાસ કરીને બોલરોને તેની જાણકારી હોવી જોઈએ. તેમણે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને ભૂલ સ્વીકારીને જવાબદારી લેવાની અપીલ પણ કરી છે. જોકે, આ સમગ્ર મામલે ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે અગાઉ ખ્વાજાના દાવાઓને નકારી કાઢ્યા હતા. બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અગાઉની તપાસના તારણો અંગે પોતાનો વિશ્વાસ યથાવત્ હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 2018ની કેપટાઉન ટેસ્ટ દરમિયાન કેમેરોન બેનક્રોફ્ટને મેદાન પર સેન્ડપેપર વડે બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરતા કેમેરામાં ઝડપવામાં આવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ સામે કાર્યવાહી થઈ હતી. હવે આઠ વર્ષ બાદ નવા દાવાઓ અને જૂના ખેલાડીઓનાં નિવેદનોને કારણે ‘સેન્ડપેપરગેટ’ વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.