જાહેરાત
તાજા સમાચાર
ગોધરા સબ જેલની માનવતાભરી પહેલ: આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને NGOની મદદથી મળી જામીન, જેલમાંથી મુક્તિ | ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક: જળ સંકટ અને પૂર નિયંત્રણ સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા | રેલવેમાં મુસાફરોની ચોરી: અમદાવાદ ડિવિઝનમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર-ઓશીકાની લિનન સામગ્રી ગાયબ | શેરબજારમાં મોટો ઘટાડો: સેન્સેક્સ 561 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,052 પર બંધ; ઓટો અને બેન્કિંગ શેરોમાં વેચવાલીનું દબાણ | E20 પેટ્રોલના માઇલેજ વિવાદ પર નીતિન ગડકરીનું મોટું નિવેદન, કહ્યું- કારનું માઇલેજ યોગ્ય રીતે માપવું જરૂરી | શાહરૂખ ખાનના ‘મન્નત’ રિનોવેશનને સુપ્રીમ કોર્ટની મંજૂરી, બે નવા માળ બનાવવાનો માર્ગ મોકળો | અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે નવો ખતરો: યમને આપી બાબ અલ-મંડેબ બંધ કરવાની ધમકી, કાચા તેલના ભાવમાં ઉછાળાની આશંકા | ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ, ઐતિહાસિક વારસાને મળી ટેક્નોલોજીની નવી ઓળખ | રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | ગિરનારમાં સિંહ હુમલા બાદ સરકારનું એક્શન, કાયમી ચેકપોસ્ટ, સાઇલન્સ ઝોન અને થર્મલ ડ્રોનથી થશે દેખરેખ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૪૬ વાર જોવાયેલ 6 કલાક પેહલા

ટૉપ ન્યૂઝ ગોધરા સબ જેલની માનવતાભરી પહેલ: આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને NGOની મદદથી મળી જામીન, જેલમાંથી મુક્તિ

ગોધરા સબ જેલની માનવતાભરી પહેલ: આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને NGOની મદદથી મળી જામીન, જેલમાંથી મુક્તિ

ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડવામાં આવ્યો છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા એક કાચા કામના આરોપીને કાનૂની સહાય અને સામાજિક સંસ્થાની મદદથી જામીન અપાવી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ પહેલથી આરોપીને કાયદાકીય હક મળ્યો છે તેમજ તેના પરિવારને પણ મોટી રાહત મળી છે.

મળતી માહિતી મુજબ ગોધરા સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે અરવિંદ મણીલાલ નાયક દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વિરુદ્ધ સેકન્ડરી કેસ નંબર 67/2024 અંતર્ગત પશુધારા સંબંધિત ગુનો નોંધાયો હતો અને તા. 02/01/2026ના રોજ તેમને જેલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ પોતાના ખર્ચે ખાનગી વકીલ રાખવાની સ્થિતિમાં ન હતા.

આરોપીના પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી હતી. તેમના પરિવારમાં એક જ વ્યક્તિ કમાનાર છે અને ત્રણ નાના બાળકોની જવાબદારી પણ તેમના પરિવાર પર છે. આવી પરિસ્થિતિમાં આર્થિક રીતે નબળા આરોપીઓને કાયદાકીય સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી વકીલની સુવિધા આપવામાં આવે છે. ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી આરોપીને સરકારી વકીલની ફાળવણી કરવામાં આવી હતી.

ત્યારબાદ સરકારી વકીલ દ્વારા આરોપીના જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા રજૂ થયેલી દલીલો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જોકે, કોર્ટ દ્વારા જામીન માટે રૂ. 30,000ની રોકડ રકમ અને જામીનદાર રજૂ કરવાની શરતો રાખવામાં આવી હતી.

પરંતુ આરોપીની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્રો પણ જામીનની રકમ ભરવા માટે સક્ષમ ન હતા. જેના કારણે જામીન મંજૂર થયા હોવા છતાં આરોપીની મુક્તિ અટવાઈ ગઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈ ગોધરા સબ જેલ પ્રશાસન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોપીની સામાજિક, આર્થિક અને પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસન દ્વારા એક NGOનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને માનવતાના ધોરણે જામીનની રકમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારી વકીલ મારફતે નામદાર કોર્ટની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

જેલમાંથી મુક્તિ સમયે ગોધરા સબ જેલ પ્રશાસન દ્વારા આરોપીને કાયદાનું પાલન કરવા અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાઈ ફરી જેલમાં ન આવવાની ખાતરી લેવામાં આવી હતી. જેલ પ્રશાસનની આ પહેલથી એક આર્થિક રીતે નબળા પરિવારને ન્યાયિક પ્રક્રિયામાં સહાય મળી છે.

ગોધરા સબ જેલની આ કામગીરી જેલ વ્યવસ્થાપનમાં માત્ર સુરક્ષા અને નિયમોનું પાલન જ નહીં પરંતુ માનવતા અને પુનર્વસનના અભિગમને પણ દર્શાવે છે. કેદીઓને કાયદાકીય મદદ, સામાજિક સહયોગ અને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ફરી જોડાઈ શકે છે, તેવો સકારાત્મક સંદેશ આ ઘટનાથી મળ્યો છે.                       

પંચમહાલ | રિપોર્ટર પ્રિતેશ દરજી

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ