જાહેરાત
તાજા સમાચાર
હળવદમાં રહસ્યમય શોપિંગ કોમ્પ્લેક્સ બન્યો પશુઓનો અડ્ડો? સ્થાનિકોમાં અનેક સવાલો, તંત્રની તપાસની માંગ. | મોરબીમાં વધુ એક જુગારધામ પર પોલીસનો દરોડો: રોકડ સહિત 6 જુગારીઓ ઝડપાયા. | હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવા સુકાનીઓનું ભવ્ય સન્માન: વેપારીઓએ વિકાસયાત્રા માટે વ્યક્ત કર્યો વિશ્વાસ. | જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીનું વતનમાં ભવ્ય સ્વાગત: 'વિક્રમ-1' મિશનની સફળતા બાદ વિભાપર ગામે કર્યું સન્માન. | શ્રીમતી પાર્વતી દેવી વિદ્યામંદિર પ્રાથમિક શાળામાં "રાષ્ટ્રીય વાંચન દિવસ"ની ઉજવણી, વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા. | ઉપલેટા પંથકમાં ફરી મેઘમહેર: મોડી રાતથી ધોધમાર વરસાદ, શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ. | જામજોધપુર નજીક ગમખ્વાર અકસ્માત: પી.આઈ.ની ક્રેટા કારની ટક્કરે બેના મોત. | તંત્રની બેદરકારી નો નમૂનો: જામનગરમાં વિરલ બાગ સામે વિજ પોલ અને દીવાલ ધરાશાયી. | શુક્રવાર, તા. 24 જુલાઈ અને અષાઢ સુદ દશમનું રાશિફળ. | ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર. |
પાછા મુખ્ય સમાચાર પર
અકસ્માત ૧૯૮ વાર જોવાયેલ 4 કલાક પેહલા

અકસ્માત જામજોધપુર નજીક ગમખ્વાર અકસ્માત: પી.આઈ.ની ક્રેટા કારની ટક્કરે બેના મોત.

જામજોધપુર નજીક ગમખ્વાર અકસ્માત: પી.આઈ.ની ક્રેટા કારની ટક્કરે બેના મોત.
જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે બુધવારે રાત્રે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જ્યારે એક સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માતમાં સંડોવાયેલી ક્રેટા કાર જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ (એન.બી.) ચૌહાણ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પી.આઈ. સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, 23 જુલાઈની રાત્રે ગાંધેશ્વર રેલવે ફાટક નજીક અગાઉ એસ.ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા એક બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મૃતક નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી, રોનકભાઈ અશોકભાઈ ખાંટ તેમજ સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી સહિત કેટલાક લોકો માનવતા દાખવી બળદને ખસેડવામાં મદદ કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યે જામજોધપુર તરફથી આવી રહેલી ક્રેટા કાર (જીજે-11-સીએલ-2801) રોડ પર ઉભેલા ત્રણેય લોકોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાર પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવી રહી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં નુંધાભાઈ ભોજાણી અને રોનકભાઈ ખાંટને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક જામજોધપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણીને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અકસ્માત બાદ કારના ચાલક પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ ચૌહાણે ઇજાગ્રસ્ત સાધુને પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી. જોકે, સમગ્ર ઘટનામાં બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવવાના આક્ષેપ સાથે મૃતક નુંધાભાઈ ભોજાણીના પુત્ર મહેશભાઈ નુંધાભાઈ ભોજાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેના આધારે પી.આઈ. સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડા ડૉ. રવિમોહન સૈની પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની માહિતી મેળવી તપાસની સમીક્ષા કરી હતી અને નિષ્પક્ષ તપાસ કરીને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ગમખ્વાર અકસ્માતથી જામજોધપુર અને આસપાસના વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી ફેલાઈ છે. માનવતાના હેતુથી ઘાયલ પશુને બચાવવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર અકસ્માત સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે. હાલ નોંધાયેલી ફરિયાદના આધારે જામજોધપુર પોલીસ દ્વારા કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતના તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ