મારું શહેર સિંહપ્રેમી પરિમલ નથવાણીની અપીલ: "ગેરકાયદેસર લાયન શો બંધ કરો, સિંહના મેટિંગ અને ફીડિંગ દરમિયાન નજીક જવાનું ટાળો"
તાજેતરમાં રેવન્યુ વિસ્તારમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઊંડી શોક અને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મૃતક યુવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે આવી ઘટનાઓ માત્ર માનવજીવન માટે જ નહીં પરંતુ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પણ અત્યંત ચિંતાજનક છે. તેમણે લોકોને સિંહોના સ્વભાવ અને તેમની કુદરતી પ્રવૃત્તિઓને સમજવાની અપીલ કરી હતી.
શ્રી નથવાણીએ જણાવ્યું કે મોટાભાગની આવી ઘટનાઓ ત્યારે બને છે જ્યારે લોકો સિંહોના કુદરતી જીવનમાં અનાવશ્યક દખલ કરે છે. ખાસ કરીને સિંહ અને સિંહણના મેટિંગ (પ્રજનન) દરમિયાન અથવા સિંહણ પોતાના બચ્ચાઓ સાથે ફીડિંગ કરતી હોય ત્યારે તેમની નજીક જવું, ફોટોગ્રાફી કરવી, અવાજ કરીને તેમને આકર્ષવાનો પ્રયાસ કરવો અથવા મનોરંજન માટે તેમને હેરાન કરવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
તેમણે સમજાવ્યું કે સિંહનું મેટિંગ સામાન્ય રીતે સતત પાંચ દિવસ સુધી ચાલતું હોય છે. આ સમયગાળા દરમિયાન સિંહ ખૂબ જ સતર્ક અને સંવેદનશીલ હોય છે. જો કોઈ વ્યક્તિ આ દરમિયાન તેમની નજીક જાય અથવા તેમને પરેશાન કરે તો તેઓ સ્વરક્ષણની પ્રતિક્રિયા આપી શકે છે. આવી પરિસ્થિતિમાં બનતી દુર્ઘટનાઓને કારણે સિંહોને અનાવશ્યક રીતે બદનામ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં તેઓ પોતાના કુદરતી વર્તન મુજબ જ પ્રતિક્રિયા આપતા હોય છે.
શ્રી નથવાણીએ સ્પષ્ટ કર્યું કે તાજેતરની ઘટના નેશનલ પાર્કની અંદર નહીં પરંતુ રેવન્યુ વિસ્તારમાં બની છે. તેમણે વન વિભાગનો બચાવ કરતાં કહ્યું કે સિંહો હવે મોટા પ્રમાણમાં રેવન્યુ વિસ્તારોમાં પણ વસવાટ કરે છે અને આવા વિસ્તારોમાં દરેક સ્થળે વન વિભાગના કર્મચારીઓની સતત હાજરી શક્ય નથી. તેથી સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓએ પોતાની જવાબદારી પણ સમજવી જરૂરી છે.
તેમણે તમામ સિંહપ્રેમીઓ, પ્રવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી કે જો ક્યાંય સિંહ અથવા સિંહણ જોવા મળે તો સલામત અંતર જાળવવું જોઈએ. ખાસ કરીને સિંહણ પોતાના બચ્ચાઓ સાથે હોય અથવા સિંહ મેટિંગ પિરિયડમાં હોય ત્યારે કોઈપણ પ્રકારનો ચાળો કરવો, નજીક જવાનો પ્રયાસ કરવો અથવા વાહનમાંથી ઉતરીને ફોટો કે વીડિયો બનાવવા જવું જોઈએ નહીં.
શ્રી પરિમલ નથવાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા ગેરકાયદેસર લાયન શો અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અથવા આર્થિક લાભ માટે સિંહોને ખોરાક બતાવીને બોલાવવા, તેમની નજીક લોકોને લઈ જવા અથવા તેમની આસપાસ ભીડ એકત્ર કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. આવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો ભંગ જ નથી કરતી, પરંતુ માનવજીવન અને વન્યજીવો બંને માટે જોખમ ઉભું કરે છે.
તેમણે રાજ્ય સરકાર અને વન વિભાગને અનુરોધ કર્યો કે ગેરકાયદેસર લાયન શો, સિંહોની પજવણી અને વન્યજીવોને હેરાન કરતી પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આવા કિસ્સાઓમાં જવાબદાર લોકો સામે કાયદા મુજબ કડક દંડાત્મક પગલાં લેવાથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે.
શ્રી નથવાણીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે એશિયાટિક સિંહ ગુજરાતની ગૌરવપૂર્ણ ધરોહર છે. તેમના સંરક્ષણ માટે માત્ર સરકાર અથવા વન વિભાગ જ નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો લોકો સાવચેતી રાખશે, વન વિભાગની સૂચનાઓનું પાલન કરશે અને સિંહોના કુદરતી જીવનમાં દખલ નહીં કરે તો માનવ અને વન્યજીવ વચ્ચેનું સહઅસ્તિત્વ વધુ સુરક્ષિત અને સુમેળભર્યું બની શકશે.