જાહેરાત
તાજા સમાચાર
પૂરગ્રસ્ત સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેદાની મુલાકાત: લિંબાયત, ડિંડોલી અને સારોલીમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાયની ખાતરી. | સુરત પૂર બાદ તંત્ર એક્શન મોડમાં: હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક, 72 કલાકમાં સ્થિતિ સામાન્ય કરવાનો લક્ષ્યાંક. | દેશભરમાં મેઘતાંડવ: અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ઠપ, ઉત્તર પ્રદેશમાં 5નાં મોત. | AIનો ટેક સેક્ટર પર મોટો પ્રભાવ: 2026માં વિશ્વભરમાં 1.20 લાખ કર્મચારીઓની છટણી, ભારતમાં વધ્યો 'સાયલન્ટ લેઓફ્સ'નો ટ્રેન્ડ. | સિંહપ્રેમી પરિમલ નથવાણીની અપીલ: "ગેરકાયદેસર લાયન શો બંધ કરો, સિંહના મેટિંગ અને ફીડિંગ દરમિયાન નજીક જવાનું ટાળો" | ભારતમાં 10 વર્ષમાં 94 હજાર સરકારી શાળાઓ બંધ: નીતિ આયોગના અહેવાલે ચિંતા વધારી, દરરોજ સરેરાશ 25 સ્કૂલો પર લાગ્યાં તાળા. | અમેરિકામાં H-1B વર્ક વિઝા કૌભાંડ પર મોટું એક્શન: કોગ્નિઝન્ટ સહિત ભારતીય IT કંપનીઓ તપાસના રડારમાં, ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી. | ઈરાનમાં ફરી ધડાકા, બુશેહર સહિત અનેક વિસ્તારોમાં હુમલાના અહેવાલ: ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, મધ્ય-પૂર્વમાં તણાવ વધુ ઘેરાયો. | તારીખ : ૧૦/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | રાશિફળ: તા. 10 જુલાઈ, શુક્રવાર | જેઠ વદ દશમ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૫ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર પૂરગ્રસ્ત સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેદાની મુલાકાત: લિંબાયત, ડિંડોલી અને સારોલીમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાયની ખાતરી.

પૂરગ્રસ્ત સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેદાની મુલાકાત: લિંબાયત, ડિંડોલી અને સારોલીમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાયની ખાતરી.

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અનુસંધાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુરુવારે સુરત શહેરના લિંબાયત, ડિંડોલી અને સારોલી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પર જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સીધો સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી અને તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી.

મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરીને વરસાદના કારણે થયેલી અસરની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક રહીશો, વેપારીઓ, સોસાયટીના સભ્યો તેમજ પૂરથી અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ, નુકસાન અને જરૂરીયાતોની વિગતવાર માહિતી મેળવી હતી.

શ્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે અસરગ્રસ્ત નાગરિકોને સરકારી સહાય સમયસર અને પારદર્શક રીતે મળે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. તેમણે સ્થળ પર હાજર અધિકારીઓને તમામ ફરિયાદોનું ઝડપથી નિરાકરણ લાવવા અને રાહત કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા જણાવ્યું હતું.

 

મુલાકાત દરમિયાન તેમણે વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા માટે પમ્પિંગ સહિતની કામગીરી વધુ તેજ કરવાની સૂચના આપી હતી. સાથે જ શહેરમાં સફાઈ અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવા, પીવાના પાણીની ગુણવત્તા જાળવવા, વીજ પુરવઠો વહેલી તકે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત તમામ જરૂરી પગલાં લેવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.

પૂર બાદ ચેપી રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગને વિશેષ સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ, સ્વચ્છતા જાળવવી અને આરોગ્ય સેવાઓ સતત ઉપલબ્ધ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ અને ઘરવખરી નુકસાની સહાય શક્ય તેટલી વહેલી તકે ચૂકવવા પણ તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે અને કોઈપણ નાગરિકને મુશ્કેલીમાં એકલો છોડવામાં નહીં આવે.

 

સ્થાનિક રહીશોએ પણ પાણી ભરાવા, રસ્તાઓની સ્થિતિ, સફાઈ, વીજ પુરવઠો અને અન્ય નાગરિક સુવિધાઓ અંગે પોતાની રજૂઆતો કરી હતી. શ્રી હર્ષ સંઘવીએ તમામ રજૂઆતો ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી અને પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સમયબદ્ધ કામગીરી કરવા જણાવ્યું હતું.

આ સમગ્ર મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, પોલીસ કમિશનર વાબાંગ જમીર, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ સુરત મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય, સફાઈ, આરોગ્ય સેવા, વીજ પુરવઠો અને અન્ય આવશ્યક સુવિધાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરીને શહેરમાં જનજીવન સંપૂર્ણપણે સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ