ધર્મ ભગવાન ભાવના અને શ્રદ્ધાના ભૂખ્યા છે.
"ઈશ્વર અને શાસ્ત્ર ઉપર પૂજ્યભાવપૂર્વક પ્રત્યક્ષ કરતાં પણ વધારે વિશ્વાસ રાખવો તેનું નામ શ્રદ્ધા છે." ભગવાનને પ્રેમ, શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણથી ભજવવું એ જ સાચી ભક્તિ છે. ભક્તિના બે મજબૂત આધારસ્તંભ છે – પ્રેમ અને શ્રદ્ધા. વિવેક મનુષ્યને સાચા-ખોટાનો ભેદ શીખવે છે, જ્યારે શ્રદ્ધા તેને પરમાત્મા સુધી પહોંચાડે છે. વિવેક ન હોય તો પણ સંતો અને શાસ્ત્રોના માર્ગદર્શનનો લાભ શ્રદ્ધાથી મળી શકે છે. સાચી શ્રદ્ધા અને અડગ વિશ્વાસ જીવનમાં દિવ્ય પ્રકાશ પ્રગટાવે છે.
એક નગરમાં વિનોદ નામનો વ્યક્તિ રહેતો હતો. જીવનમાં અનેક મુશ્કેલીઓ અને દુઃખોથી ઘેરાયેલો વિનોદ સતત ચિંતામાં રહેતો. અનેક પ્રયત્નો કરવા છતાં તેને ક્યાંય શાંતિ મળતી નહોતી. એક દિવસ તેના મિત્રે કહ્યું, "ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કર. તેમની કૃપાથી તારા દુઃખ દૂર થશે." મિત્રની વાત માનીને વિનોદે શ્રીકૃષ્ણની સુંદર મૂર્તિ લાવી ઘરના મંદિરમાં સ્થાપિત કરી. દરરોજ ભક્તિપૂર્વક પૂજા, આરતી અને ભોગ ધરાવતો રહ્યો. વર્ષો વીતી ગયા છતાં તેની પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર ન આવ્યો, જેના કારણે તે નિરાશ થઈ ગયો.
થોડા સમય પછી બીજા મિત્રે તેને સલાહ આપી, "મા જગદંબાની ઉપાસના કર. તેઓ ભક્તોની પ્રાર્થના ઝડપથી સાંભળે છે." વિનોદે શ્રીકૃષ્ણની મૂર્તિ ઉપરની છાજલીમાં મૂકી અને મા જગદંબાની મૂર્તિ સ્થાપિત કરી. હવે તે સંપૂર્ણ ભાવથી માતાજીની આરાધના કરવા લાગ્યો. એક દિવસ પૂજા દરમિયાન તેણે સુગંધિત અગરબત્તી પ્રગટાવી. તેની નજર ઉપર રાખેલી શ્રીકૃષ્ણની મૂર્તિ પર પડી. તેના મનમાં વિચાર આવ્યો કે આ અગરબત્તીની સુગંધ શ્રીકૃષ્ણ સુધી ન પહોંચવી જોઈએ, કારણ કે હવે તે માત્ર માતાજીની ઉપાસના કરતો હતો.
આ વિચાર સાથે તે સ્ટૂલ પર ચઢ્યો અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિના નાક-મોઢા પર કપડું બાંધવા લાગ્યો. એટલામાં અદભુત ચમત્કાર થયો. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પ્રગટ થયા અને પ્રેમથી વિનોદનો હાથ પકડી લીધો. આશ્ચર્યચકિત વિનોદે પૂછ્યું, "હે પ્રભુ! વર્ષો સુધી મેં તમારી પૂજા કરી, છતાં તમે દર્શન આપ્યા નહીં. આજે તો હું તમારા નાક પર કપડું બાંધવા આવ્યો હતો, ત્યારે તમે તરત જ કેમ પ્રગટ થયા?"
ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, "હે વત્સ! આજ સુધી તું મને માત્ર પથ્થરની મૂર્તિ માનીને પૂજતો હતો. તારા હૃદયમાં એવો દૃઢ વિશ્વાસ નહોતો કે હું આ મૂર્તિમાં જીવંત રીતે રહું છું. પરંતુ આજે પહેલી વાર તને વિશ્વાસ થયો કે હું આ મૂર્તિમાં હાજર છું અને અગરબત્તીની સુગંધ અનુભવી શકું છું. તારી આ અડગ શ્રદ્ધા અને જીવંત ભાવનાએ મને પ્રગટ થવા માટે મજબૂર કર્યો."
આ બોધકથા આપણને શીખવે છે કે ભગવાનને માત્ર બાહ્ય પૂજા કે દેખાડો પ્રિય નથી. તેઓ ભક્તના નિર્મળ હૃદય, નિષ્કપટ ભાવ અને અડગ શ્રદ્ધાના ભૂખ્યા છે. જ્યાં સુધી ભક્તિ માત્ર એક ઔપચારિક વિધિ રહે છે ત્યાં સુધી પરમાત્માનો અનુભવ થતો નથી. પરંતુ જે ક્ષણે ભક્તના હૃદયમાં દૃઢ વિશ્વાસ જાગે કે ભગવાન દરેક ક્ષણે આપણી સાથે છે, આપણી વાત સાંભળે છે અને આપણું રક્ષણ કરે છે, તે ક્ષણથી જીવનમાં તેમની કૃપાનો અનુભવ થવા લાગે છે.
સંતો કહે છે: "જાકી રહી ભાવના જેવી, પ્રભુ મૂર્તિ દેખી તિન તેવી." એટલે કે જેવો ભક્તનો ભાવ હોય, ભગવાન તેને તેવા જ સ્વરૂપે અનુભવાય છે. તેથી પોતાના ઇષ્ટદેવમાં અડગ વિશ્વાસ રાખવો, શાસ્ત્રોનું અધ્યયન કરવું અને સંતોના સત્સંગથી જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ. શ્રદ્ધા હંમેશાં વિવેકપૂર્ણ અને શાસ્ત્રસંમત્ત હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે "શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન દ્વારા પરમ શાંતિને પામે છે." તેથી જીવનમાં સચ્ચી શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણ જ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ છે.