જાહેરાત
તાજા સમાચાર
માતાના અવસાન બાદ બહેન બની ભાઈની માતા : 9મા ધોરણની વિદ્યાર્થીની દોઢ વર્ષના ભાઈને સાથે લઈને પહોંચી શાળાએ. | WHOની ચેતવણી : વર્ષ 2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70%નો વધારો થવાની શક્યતા, જીવનશૈલીમાં બદલાવ જ બચાવનો માર્ગ | અમદાવાદના 10 કિમી વિસ્તારના વાહનચાલકો પર વધારાનો બોજઃ 195 ગામોમાં લાગુ થશે AMCનો વાહન વેરો | નવી 9 મહાનગરપાલિકાઓને મોટી ભેટઃ જાહેર સુવિધાઓ માટે 5 વર્ષ સુધી સરકારી જમીન વિનામૂલ્યે આપશે ગુજરાત સરકાર | અમદાવાદમાં આયુર્વેદિક દવાના નામે હાઈટેક ઠગાઈનો પર્દાફાશઃ7 આરોપીઓ ઝડપાયા | મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ : લાછડી ગામમાં સઘન સર્વેલન્સ શરૂ | કિંગ ખાનનો વૈશ્વિક ક્રિકેટમાં ડંકો: શાહરૂખ ખાનના નાઈટ રાઈડર્સ ગ્રુપે અમેરિકામાં બનાવ્યું ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ | પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલા ટાયફૂન ‘બાવી’નો કહેરઃ ચાર દેશોમાં એલર્ટ, ભારે વરસાદ અને તોફાની પવનની દહેશત | લાલપુર પંથકના ખેડૂતોની માંગઃ રૂપાવટી ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવામાં આવે, સિંચાઈ માટે તાત્કાલિક રાહતની અપીલ | આમોદના સરભાણ ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી : ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને નિયમિત અભ્યાસ અને ઉચ્ચ લક્ષ્ય માટે પ્રેરણા આપી |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૯ વાર જોવાયેલ 3 કલાક પેહલા

મારું ગુજરાત ભરૂચમાં ‘લંડનથી સોનું’ની લાલચ આપી ઓનલાઈન ઠગાઈનો પ્રયાસ નિષ્ફળઃ 181 અભયમની સતર્કતાથી મહિલા આત્મઘાતી પગલું ભરતા બચી

ભરૂચમાં ‘લંડનથી સોનું’ની લાલચ આપી ઓનલાઈન ઠગાઈનો પ્રયાસ નિષ્ફળઃ 181 અભયમની સતર્કતાથી મહિલા આત્મઘાતી પગલું ભરતા બચી

ભરૂચ જિલ્લામાં ઓનલાઈન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલા મોટી લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ બની હતી. જોકે, સમયસર 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દરમિયાનગીરી કરી મહિલાને વધુ આર્થિક નુકસાન થતું અટકાવ્યું હતું અને તેને માનસિક તણાવમાંથી બહાર લાવી આત્મહત્યા જેવા ગંભીર પગલાંથી પણ બચાવી હતી. ‘લંડનથી સોનું અને ડોલર લાવવાના’ ખોટા વાયદા અને નકલી પોલીસ અધિકારીની વાતોમાં આવી ગયેલી મહિલાએ અત્યાર સુધીમાં રૂ.60,000 ગુમાવ્યા હતા. વધુ રૂ.30,000ની માંગણી થતાં પૈસાની વ્યવસ્થા ન કરી શકતા મહિલાએ પરિવાર સામે આત્મહત્યાની ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના એક વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ભાઈ પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી રહી હતી. પરંતુ પૈસા શા માટે જોઈએ છે અને તેનો ઉપયોગ ક્યાં થવાનો છે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપી રહી નહોતી. પરિવારજનોને મહિલાના વર્તનમાં અચાનક આવેલા બદલાવથી શંકા ઊભી થઈ હતી. જ્યારે ભાઈએ વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે મહિલાએ ભારે માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટનાથી પરિવાર ગભરાઈ ગયો હતો અને મહિલાની પાછળ કોઈ મોટી છેતરપિંડી અથવા સમસ્યા હોવાની આશંકા જતા તરત જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

માહિતી મળતાની સાથે જ 181 અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમના સભ્યોએ મહિલાને વિશ્વાસમાં લઈને શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી હતી. શરૂઆતમાં મહિલા સમગ્ર ઘટનાને લઈને ગભરાયેલી હતી અને માનસિક દબાણમાં હતી. પરંતુ ટીમે કુશળ કાઉન્સેલિંગ દ્વારા મહિલાનો વિશ્વાસ જીત્યો અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. મહિલાએ જણાવ્યું કે તે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જતી હતી ત્યારે રસ્તામાં એક અજાણી મહિલા સાથે તેની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આ અજાણી મહિલાએ વિશ્વાસમાં લઈને એક ખોટી વાર્તા સંભળાવી.

ઠગ મહિલાએ પીડિતાને જણાવ્યું હતું કે તેનો ભાઈ લંડનથી મોટી માત્રામાં સોનું અને ડોલર લઈને આવ્યો છે, પરંતુ મુંબઈ એરપોર્ટ પર પોલીસે તેને અટકાવ્યો છે. જો તેને કાયદાકીય પ્રક્રિયામાંથી છોડાવવો હોય તો મોટી રકમની જરૂર પડશે. આ સાથે પીડિત મહિલાને પાંચ લાખ રૂપિયા સુધીના ફાયદાની લાલચ આપવામાં આવી હતી. વધુ પૈસા મળવાની આશામાં મહિલા આ વાતોમાં આવી ગઈ હતી. લાલચ અને અજાણતા કારણે તેણે ઠગો પર વિશ્વાસ કરી લીધો અને તેમની માંગ મુજબ પૈસાની વ્યવસ્થા શરૂ કરી.

આ પછી ઠગોએ મહિલાને એક મોબાઈલ નંબર આપ્યો હતો. આ નંબર પરથી એક વ્યક્તિએ પોતાની ઓળખ ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપી હતી. તે માત્ર WhatsApp કોલ દ્વારા જ વાત કરતો હતો અને પોલીસ કાર્યવાહી, એરપોર્ટ ક્લિયરન્સ તથા કાનૂની પ્રક્રિયાના નામે મહિલાને ડરાવતો હતો. અલગ અલગ બહાના બતાવીને આરોપીએ મહિલાને તબક્કાવાર રૂ.60,000 જેટલી રકમ ચૂકવવા મજબૂર કરી હતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે મહિલાએ પોતાના સોનાના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા. ત્યારબાદ ફરીથી રૂ.30,000ની માંગણી કરવામાં આવતા મહિલા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને અંતે પરિવાર સામે આત્મહત્યાની ધમકી આપી.

181 અભયમની ટીમે સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે મહિલાની હાજરીમાં જ કથિત પોલીસ અધિકારીના નંબર પર સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન ટીમના સભ્યોએ એરપોર્ટની વિગતો, પોલીસ કાર્યવાહી, કેસ નંબર અને કાયદાકીય પ્રક્રિયા અંગે સવાલો પૂછ્યા હતા. આ સવાલોના જવાબ આપવામાં સામેવાળો વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને તેણે તાત્કાલિક ફોન કાપી નાખ્યો હતો. થોડા સમય બાદ તેણે મહિલાનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો અને WhatsApp પર થયેલી ચેટ પણ ડિલીટ કરી નાખી હતી. આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થયું હતું કે મહિલા ઓનલાઈન ઠગાઈના કાવતરાનો ભોગ બની..

ઘટનાની જાણ થયા બાદ 181 અભયમ ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું અને સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. પરિવારને પણ જરૂરી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી જેથી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે વધુ નાણાં મેળવવાની લાલચ અને ઓનલાઈન છેતરપિંડી અંગેની પૂરતી જાણકારીના અભાવે તે ઠગોની જાળમાં ફસાઈ ગઈ હતી. અભયમ ટીમે મહિલાને ભવિષ્યમાં અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં ન આવવા, કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલાં ચકાસણી કરવા અને OTP, બેંક વિગતો કે વ્યક્તિગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવા માટે સમજ આપી.

આ સમગ્ર ઘટનામાં 181 અભયમ ટીમની સમયસરની કામગીરીથી એક મહિલા માત્ર વધુ આર્થિક નુકસાનથી જ નહીં પરંતુ માનસિક આઘાત અને આત્મઘાતી પગલાંથી પણ બચી શકી છે. ઓનલાઈન યુગમાં વધી રહેલી ડિજિટલ છેતરપિંડી સામે જાગૃતિ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. લોભામણી ઓફર, અજાણી વ્યક્તિના દાવા અથવા નકલી અધિકારીઓની ધમકીથી સાવચેત રહેવું જરૂરી છે. ભરૂચની આ ઘટના દરેક નાગરિક માટે ચેતવણી સમાન છે કે કોઈપણ સંજોગોમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો અને શંકાસ્પદ સ્થિતિમાં તાત્કાલિક પરિવાર તથા પોલીસની મદદ લેવી જોઈએ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ