ધર્મ માં બહુચરાજી શક્તિપીઠ: આસ્થા, ઇતિહાસ, પરચા અને પરંપરાનું પવિત્ર ધામ.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું માં બહુચરાજીનું પવિત્ર ધામ રાજ્યના અગ્રણી શક્તિપીઠોમાંનું એક છે. લાખો શ્રદ્ધાળુઓ માટે આ માત્ર એક મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ, ત્યાગ અને આત્મવિશ્વાસનું જીવંત પ્રતિક છે. પૌરાણિક માન્યતા મુજબ આ સ્થળે દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો, તેથી આ સ્થાનનું નામ "બાહુચરાજી" પડ્યું, જે સમય જતાં "બહુચરાજી" તરીકે પ્રસિદ્ધ બન્યું.
હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન શિવ સતીના નિર્જીવ દેહને લઈને બ્રહ્માંડમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે સૃષ્ટિનું સંતુલન જાળવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના ભાગો કર્યા હતા. જ્યાં જ્યાં આ અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. બહુચરાજી એ આવા પવિત્ર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે.
બહુચરાજી યાત્રાધામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલું શંખલપુર ગામ માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. અહીં દેવી બહુચરે દંડાસુર નામના અસુરનો સંહાર કરીને ધર્મની પુનઃસ્થાપના કરી હતી એવી લોકમાન્યતા છે. માતાજીની ચાર ભુજાઓમાં તલવાર, ધર્મગ્રંથ, ત્રિશૂલ અને અભયમુદ્રા દર્શાવવામાં આવે છે, જ્યારે કૂકડો તેમનું વાહન માનવામાં આવે છે. કૂકડો જાગૃતિ, નિર્ભયતા અને ધર્મરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે.
માં બહુચરના પ્રાગટ્ય સાથે જોડાયેલી સૌથી જાણીતી લોકકથા ચારણ સમાજની છે. ઈ.સ. ૧૩૯૫ આસપાસ હળવદ નજીકના સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથાના ઘરે ચાર પુત્રીઓનો જન્મ થયો હતો. તેમાં બહુચરબા દૈવી શક્તિ ધરાવતી, પરાક્રમી અને ધાર્મિક સ્વભાવની હતી.
એક પ્રસંગે બહુચરબા પોતાની બહેનો સાથે યાત્રાએ નીકળ્યા હતા ત્યારે બાપિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો. ચારણ પરંપરા અનુસાર અપમાન સહન કરવા કરતાં પોતાના પ્રાણનું બલિદાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવતું હતું, જેને "ત્રાગું" કહેવામાં આવે છે. બહુચરબા અને તેમની બહેનોએ પોતાનું બલિદાન આપ્યું. લોકવાયકા મુજબ આ ઘટનાથી બાપિયા શાપિત થઈ નપુંસક બની ગયો. બાદમાં તેણે સ્ત્રીવેશ ધારણ કરીને માતાજીની આરાધના કરી અને દેવી પ્રસન્ન થતાં તેને આશીર્વાદ મળ્યા. ત્યારથી કિન્નર સમાજમાં માં બહુચર પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે અને તેઓ તેમને પોતાની આરાધ્ય દેવી તરીકે પૂજે છે.
માં બહુચર સોલંકી, ચૌહાણ, રાજપૂત, કોળી, ભીલ સહિત અનેક સમાજોની કુળદેવી તરીકે પણ પૂજાય છે. ઘણા ભક્તો તેમને સિંધની હિંગળાજ માતાનું સ્વરૂપ અને બાલા ત્રિપુરસુંદરીનો અવતાર પણ માને છે.
મંદિર સાથે જોડાયેલો એક પ્રસિદ્ધ પરચો સોલંકી રાજા વજેસિંહ અને તેમની પુત્રી તેજપાલની કથા છે. રાજાએ રાજ્યની ગાદી બચાવવા પોતાની પુત્રીને પુત્ર તરીકે ઉછેરી હતી. સત્ય બહાર આવવાની ભીતિ વચ્ચે રાજકુમારી બહુચરાજીમાં માતાજીની શરણે આવી. અહીં આવેલા માનસરોવર કુંડમાં સ્નાન કર્યા બાદ માતાજીની કૃપાથી તે પુરુષ બની ગયો એવી લોકમાન્યતા છે. આ ચમત્કારથી પ્રભાવિત થઈ રાજાએ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું કહેવાય છે.
આજે પણ મંદિર પાછળ આવેલું માનસરોવર કુંડ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અનેક પરિવારો પોતાના બાળકોના પ્રથમ મુંડન સંસ્કાર માટે અહીં આવે છે. સંતાનના સ્વાસ્થ્ય, વાણી અથવા અન્ય શારીરિક સમસ્યાઓ દૂર થાય તેવી માનતા રાખીને ભક્તો ચાંદીના અંગો, કૂકડા અથવા અન્ય પ્રતિકરૂપ ચઢાવો અર્પણ કરે છે.
હાલનું મુખ્ય મંદિર ગાયકવાડ શાસન દરમિયાન ઈ.સ. ૧૭૭૯થી ૧૭૮૩ વચ્ચે મહારાજા માનાજીરાવ ગાયકવાડ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે માતાજીની કૃપાથી તેઓ ગંભીર બીમારીમાંથી સાજા થયા બાદ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
મંદિર સાથે એક લોકપ્રિય કથા મુસ્લિમ આક્રમણના સમયની પણ જોડાયેલી છે. લોકવાયકા મુજબ જ્યારે આક્રમણકારો મંદિર તોડવા પહોંચ્યા ત્યારે તેમણે માતાજીના વાહન ગણાતા અનેક કૂકડાઓનો શિકાર કરીને ભોજન બનાવ્યું. બીજા દિવસે મંદિરના એક કૂકડાએ બાંગ પોકારતાં ભોજનમાં રહેલા તમામ કૂકડાઓ જીવંત થઈ આક્રમણકારોના પેટ ફાડીને બહાર નીકળ્યા અને આખી સેનાનો નાશ થયો. આ કથા લોકઆસ્થાનો ભાગ છે અને ભક્તો માતાજીને ધર્મરક્ષક તરીકે પૂજે છે.
બહુચરાજીમાં દર પૂર્ણિમાએ વિશેષ મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાની રાત્રે માતાજીની ચાંદીની પાલખી નીકળે છે. ચૈત્રી પૂર્ણિમા અને આસો પૂર્ણિમાના દિવસે આ પાલખી બહુચરાજીથી શંખલપુર સુધી ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે લઈ જવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ આ દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે.
ચૈત્ર અને આસો નવરાત્રિ દરમિયાન સમગ્ર યાત્રાધામ ભક્તિમય બની જાય છે. ગરબા, ભવાઈ, ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ આરતીનું આયોજન થાય છે. દશેરાના દિવસે માતાજીના શસ્ત્રોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ગાયકવાડ રાજવંશ દ્વારા અર્પણ કરાયેલ નવલખો હાર માતાજીને ધારણ કરાવવામાં આવે છે.
બહુચરાજી મંદિર મોઢેરા સૂર્યમંદિરથી લગભગ ૧૫ કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સાત્વિક ભોજનશાળાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે યાત્રાળુઓના રોકાણ માટે અનેક ધર્મશાળાઓ અને નિવાસ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ છે.
તાજેતરમાં પરિવાર સાથે માં બહુચરાજીના દર્શન કરવાનો અવસર મળ્યો. પરિવારની એક બાળકી જન્મ પછી પાંચ વર્ષ સુધી બોલી શકતી નહોતી. તેના માટે માતાજીને માનતા રાખવામાં આવી હતી કે બાળકી બોલવા લાગશે તો ચાંદીની જીભ, ચાંદીનો કૂકડો અને સવાશેર કંકુ અર્પણ કરવામાં આવશે. માતાજીની કૃપાથી બાળકી આજે સંપૂર્ણ રીતે બોલી શકે છે અને પરિવાર દ્વારા માનતા પૂર્ણ કરવામાં આવી હતી. આવા અનુભવો ભક્તોની આસ્થાને વધુ મજબૂત બનાવે છે.
હાલમાં મંદિરનું વિસ્તરણ અને નવું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કારણે ગર્ભગૃહમાં પ્રવેશ મર્યાદિત છે અને ભક્તોને દૂરથી જ માતાજીના દર્શન કરવા મળે છે. તેમ છતાં ભક્તોની શ્રદ્ધા અને દર્શન માટેનો ઉત્સાહ યથાવત્ જોવા મળે છે.
માં બહુચરાજીનું શક્તિપીઠ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, લોકઆસ્થા, ઇતિહાસ અને પરંપરાનું જીવંત કેન્દ્ર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવી માતાજીના આશીર્વાદ મેળવી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતાનસુખ, આરોગ્ય અને આત્મબળની કામના કરે છે. શ્રદ્ધા, ત્યાગ અને શક્તિના આ પવિત્ર ધામનું મહત્વ આજે પણ અખંડિત છે અને ભવિષ્યમાં પણ યથાવત્ રહેશે.