ધર્મ અયોધ્યા રામ મંદિર દાનચોરી મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનો આક્રોશ.
દ્વારકા: અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરીના મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં જે ઘટના સામે આવી છે તે મંદિરના સંચાલનની જવાબદારી અયોગ્ય લોકોના હાથમાં સોંપવામાં આવી હોવાનું પરિણામ છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને મંદિરનું વહીવટ ધર્મનિષ્ઠ તેમજ યોગ્ય વ્યક્તિઓને સોંપવાની માંગ કરી છે.
શંકરાચાર્યએ જણાવ્યું કે રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. આવા પવિત્ર સ્થળના સંચાલનમાં પારદર્શિતા, જવાબદારી અને ધાર્મિક મૂલ્યોનું પાલન અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મંદિરના વહીવટમાં એવા લોકોની નિમણૂક થવી જોઈએ, જેઓ ધર્મ અને પરંપરાઓ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવતા હોય.
તેમણે સરકાર અને રાજકીય નેતાઓ પર પણ આક્ષેપ કરતાં કહ્યું કે આજે રામ મંદિરને આસ્થાના કેન્દ્ર તરીકે નહીં, પરંતુ પર્યટન સ્થળ તરીકે જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. તેમના મતે મંદિરનું મૂળ સ્વરૂપ અને તેની ધાર્મિક પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ.
શંકરાચાર્યએ વધુમાં જણાવ્યું કે "રામ મંદિર રાજનીતિનું કેન્દ્ર નથી, ધર્મનીતિનું કેન્દ્ર છે." મંદિરને કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિથી દૂર રાખીને તેને માત્ર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના કેન્દ્ર તરીકે જ વિકસાવવું જોઈએ.
દાનચોરીના મામલે તેમણે સંબંધિત તમામ જવાબદારો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે મંદિરના વહીવટી તંત્રને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
શંકરાચાર્યના આ નિવેદન બાદ રામ મંદિરના સંચાલન, પારદર્શિતા અને ધાર્મિક સંસ્થાઓના વહીવટને લઈને ફરી ચર્ચા તેજ બની છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા રામ મંદિરની ગૌરવ અને પવિત્રતા જાળવવાની જવાબદારી દરેક સંબંધિત સંસ્થા અને તંત્રની છે.