મારું શહેર રતનપુરમાં બે વર્ષથી અધૂરી સ્મશાન છાપરી, રસ્તાના અભાવે લાકડાની ઓરડીમાં કરવા પડ્યા અંતિમ સંસ્કાર.
મૂળભૂત સુવિધાના અભાવે ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની ઉઠી માંગ
સમય સંદેશ રિપોર્ટ | કૃણાલ ભાવસાર | ધંધુકા
ધંધુકા તાલુકાના રતનપુર ગામમાં સ્મશાન છાપરીનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું રહેતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તાની સુવિધા ન હોવાથી તાજેતરમાં એક મૃતકના અંતિમ સંસ્કાર લાકડા રાખવાની ઓરડીમાં કરવાની ફરજ પડતાં તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ રતનપુર ગામમાં સ્મશાન માટે મંજૂર થયેલી છાપરીનું નિર્માણ કાર્ય લગભગ બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી તે પૂર્ણ થયું નથી. સ્મશાન સુધી જતો માર્ગ પણ કાચો હોવાથી ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી અને કાદવને કારણે અવરજવર અત્યંત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં અંતિમયાત્રા અને અંતિમવિધિ જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પણ ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો મૃતદેહને સ્મશાન સુધી લઈ ગયા હતા. પરંતુ સ્મશાન છાપરી અધૂરી હોવાના કારણે અને યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાથી મૃતકના અંતિમ સંસ્કાર સ્મશાનમાં આવેલી લાકડા રાખવાની ઓરડીમાં કરવા પડ્યા હતા. આ ઘટનાએ ગામમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે અને ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે મૂળભૂત જાહેર સુવિધાઓ માટે વર્ષો સુધી રાહ કેમ જોવી પડે છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સ્મશાન છાપરીનું કામ ઝડપથી પૂર્ણ થાય તેમજ સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવામાં આવે તે માટે અનેક વખત સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જોકે, રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.
ગામના ઘનશ્યામભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્મશાન જેવી આવશ્યક સુવિધા અધૂરી રહેવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાને કારણે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. તેમણે જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ વધી રહ્યો છે.

ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક સ્મશાન છાપરીનું બાકી રહેલું કામ પૂર્ણ કરવા, સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે.
આ સમગ્ર ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. અંતિમવિધિ જેવી માનવ જીવનની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન પણ જો લોકોને યોગ્ય સુવિધા ન મળે તો તે વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. હવે ગ્રામજનોની નજર સંબંધિત તંત્ર પર છે કે તેઓ આ મુદ્દે કેટલા ઝડપથી કાર્યવાહી કરીને રતનપુર ગામની લાંબા સમયથી અટવાયેલી સમસ્યાનો ઉકેલ લાવે છે.