જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ. | રોબોટ્સ હવે માણસની જેમ વિચારતા શીખશે? AI ટ્રેનિંગમાં બ્રેઈન વેવ્સનો થશે ઉપયોગ. | લોકસભામાં પેપર લીક બિલ પર ચર્ચા શરૂ, 6 કલાકની ચર્ચા નક્કી; 2024ના કાયદાને વધુ મજબૂત બનાવવાની તૈયારી. | નીરવ મોદીના પ્રત્યાર્પણમાં વિલંબથી ભારત નારાજ: યુકેના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલનો મોટો દાવો. | PM મોદીની પોસ્ટ હટાવવાના મામલે Metaની માફી, ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનો સૂત્રોનો દાવો | ૧.૮૪ લાખ સહીઓ સાથે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ: મોરબીથી ઉઠ્યો સાંસ્કૃતિક સંદેશ, હવે સરકારના નિર્ણય પર નજર. | ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પરીક્ષાનું પેપર લીક મામલો: આવેદનપત્ર આપવા વિદ્યાર્થીઓ ચાણક્ય ભવન પહોંચ્યા. | સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! હવે માત્ર 1930 પર કોલથી નોંધાશે E-ZERO FIR. | વંદે ભારત એક્સપ્રેસમાં મોટા ફેરફારો: નવી રૂટ અને ટાઈમિંગ જાહેર, અમદાવાદના મુસાફરોને મળશે મોટી રાહત. | સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે! ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ.

સુરક્ષા કારણોસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું; ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી રહેશે અમલમાં

દેવભૂમિ દ્વારકા: ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. દરિયાકાંઠાની ભૌગોલિક સ્થિતિ અને નિર્જન ટાપુઓને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડી જિલ્લાના ૨૧ નિર્જન ટાપુઓ પર સંબંધિત પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસાહત છે જ્યારે બાકીના ૨૨ ટાપુઓ સંપૂર્ણપણે નિર્જન છે. અગાઉ જાહેર કરાયેલા સુધારા જાહેરનામા મુજબ નરારા ટાપુ માટે નિર્ધારિત શરતો હેઠળ પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી હાલ અન્ય ૨૧ ટાપુઓ માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

જિલ્લાના અનેક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ત્યાં પહોંચતા હોય છે. જોકે, સુરક્ષા એજન્સીઓના મૂલ્યાંકન મુજબ આવી અવરજવરનો લાભ લઈ રાષ્ટ્રવિરોધી તત્વો, દાણચોરીમાં સંડોવાયેલા શખ્સો અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર લોકો નિર્જન ટાપુઓનો આશ્રય લઈ શકે છે અથવા ત્યાં હથિયારો, વિસ્ફોટક સામગ્રી કે નશાકારક પદાર્થો છુપાવી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આતંકવાદી સંગઠનો દ્વારા દેશના મહત્વના ધાર્મિક સ્થળો, વ્યૂહાત્મક સંસ્થાઓ અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું હોવાનું તંત્રે જણાવ્યું છે. જાહેર સલામતી, કાયદો-વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ નીચે દર્શાવેલા ૨૧ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે:

  • ધાની (ડની) ટાપુ
  • ગાંધીયોકડો ટાપુ
  • કાલુભાર ટાપુ
  • રોઝી ટાપુ
  • પાનેરો ટાપુ
  • ગડુ (ગારૂ) ટાપુ
  • સાનબેલી (શિયાળી) ટાપુ
  • ખીમરોઘાટ ટાપુ
  • આશાબાપીર ટાપુ
  • ભૈદર ટાપુ
  • ચાંક ટાપુ
  • ધબધબો (દબદબો) ટાપુ
  • દીવડી ટાપુ
  • સામીયાણી ટાપુ
  • નોરૂ ટાપુ
  • માન મરૂડી ટાપુ
  • લેફા મરૂડી ટાપુ
  • લંધા મરૂડી ટાપુ
  • કોઠાનું જંગલ ટાપુ
  • ખારા-મીઠા ચુષ્ણા ટાપુ
  • કુડચલી ટાપુ

આ તમામ ટાપુઓ પર જવા માટે સંબંધિત વિસ્તારના પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. મંજૂરી વિના પ્રવેશ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને બોટ સંચાલકોને જાહેરનામાનું કડક પાલન કરવા અપીલ કરી છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ હિલચાલ, ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા અજાણ્યા વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસ અથવા સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવા પણ અનુરોધ કર્યો છે.

દરિયાઈ સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવવાના હેતુથી લેવામાં આવેલું આ પગલું રાષ્ટ્રની સુરક્ષા અને જાહેર સુલેહ-શાંતિ જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ