જાહેરાત
તાજા સમાચાર
પ્રેસા સોફ્ટવેરનો રાજ્યવ્યાપી બહિષ્કાર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો મોટો નિર્ણય. | ખેતર વચ્ચે જ પ્રસૂતિ: 108ની ટીમે 800 મીટર ખાટલા પર માતા-નવજાતને લાવી બચાવ્યા. | દેવશયની એકાદશીનું મહાત્મ્ય: ચાતુર્માસનો પવિત્ર પ્રારંભ, ભક્તિ, સંયમ અને આત્મચિંતનનો સંદેશ. | અતિભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે કરી સમીક્ષા, નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા. | ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, 26 જુલાઈની કસોટી હવે નવી તારીખે યોજાશે | હિમાચલ પ્રદેશમાં કરૂણ દુર્ઘટના, લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટતા 13નાં મોત; 6 મહિનાનું બાળક પણ ભોગ બન્યું | બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, રાજકીય ઉથલપાથલ વચ્ચે લીધો નિર્ણય | ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’નો બોક્સ ઓફિસ પર દબદબો, ભારતમાં 7 દિવસમાં 100 કરોડની કમાણી | જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૦ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું ગુજરાત અતિભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે કરી સમીક્ષા, નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા.

અતિભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે કરી સમીક્ષા, નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા.

ગાંધીનગર: રાજ્યમાં અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ તેમજ રાહત અને બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા એ ગુજરાત પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પોલીસ વિભાગ તથા વહીવટી તંત્ર એક ટીમ તરીકે સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે, તેમ છતાં તમામ વિભાગો સતત સતર્ક રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

બચાવ અને રાહત કામગીરી તેજ

ગુજરાત પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ પોલીસની ટીમો દ્વારા સતત કરવામાં આવી રહી છે.

NDRF-SDRFની 49 ટીમો તૈનાત

રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે NDRF અને SDRFની મળીને 49 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદથી માર્ગો પર પડેલા વૃક્ષો, ડાળીઓ અને અન્ય અવરોધો દૂર કરવા તેમજ પાણીમાં ફસાયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

 

સવારે 9 વાગ્યે તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 9 વાગ્યે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલ પર રહી સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરવા અને બચાવ કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નાગરિકોને સાવચેત રહેવાની અપીલ

રાજ્ય પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી હતી કે અતિશય જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, મુસાફરી કરતાં પહેલાં હવામાન વિભાગની આગાહી અને સ્થાનિક તંત્રની સૂચનાઓની ચકાસણી કરવી તેમજ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને બિનજરૂરી બહાર ન લઈ જવા ખાસ ધ્યાન રાખવું. તેમણે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતી તમામ સલામતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા પણ અનુરોધ કર્યો.

ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, લૉ એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયન, IGP મકરંદ ચૌહાણ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા 24 કલાક સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની ફરી એકવાર અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ