મારું શહેર અષાઢી બીજે વરુણદેવને રીઝવવા જામનગરમાં અનોખી ગૌસેવા: ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા 7 હજાર લાડુનું વિતરણ.
અષાઢી બીજના પાવન પર્વે સારા વરસાદ, સમૃદ્ધિ અને લોકકલ્યાણની પ્રાર્થના સાથે જામનગરની અગ્રણી વેપારી સંસ્થા ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વરુણદેવને રીઝવવા અને ગૌસેવાના પવિત્ર ભાવ સાથે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરની વિવિધ ગૌશાળાઓ તેમજ રસ્તા પર નિરાધાર ઉભેલી ગાયોને ઘઉંના લાડુ ખવડાવવામાં આવશે. સાથે જ ગ્રેઈન માર્કેટમાં રોજિંદી મહેનત કરતા મજૂર ભાઈઓને પણ પ્રસાદરૂપે બુંદીના લાડુનું વિતરણ કરવામાં આવશે. વેપારીઓની આ સેવાભાવી પરંપરા વર્ષોથી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે સમાજમાંથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ભંડારા માટે મોટા પાયે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાનો લોટ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ સામગ્રીમાંથી આશરે 7 હજાર ઘઉંના લાડુ તૈયાર કરવામાં આવશે, જે ગૌશાળાઓમાં ગાયોને અર્પણ કરવામાં આવશે. ઉપરાંત ગ્રેઈન માર્કેટમાં કાર્યરત મજૂર ભાઈઓ માટે આશરે 1,500 બુંદીના લાડુ પણ તૈયાર કરવામાં આવશે, જેથી તેઓ પણ પ્રસાદનો લાભ મેળવી શકે. આ સમગ્ર પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શનિવાર, તા. 11 જુલાઈ 2026ના રોજ શ્રી દયાશંકર બ્રહ્મપુરી વાડી, કાશી વિશ્વનાથ રોડ ખાતે કરવામાં આવશે, જેમાં સંસ્થાના સભ્યો અને સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાશે.
પ્રસાદનું વિતરણ રવિવાર, તા. 12 જુલાઈ 2026ના રોજ શહેરની વિવિધ ગૌશાળાઓ અને ધાર્મિક સ્થળોએ કરવામાં આવશે. જેમાં ઢીંચડાની આણદાબાવા ગૌશાળા, ધોરીવાવની આણદાબાવા ગૌશાળા, નાગણા પાસેની વચ્છરાજ ગૌશાળા, વિક્ટોરિયા પુલ પાસેની મોટી હવેલી, ગામમાં આવેલી મોટી હવેલી, હાપાનું શ્રી જલારામ મંદિર, સમર્પણ હોસ્પિટલ રોડ પર આવેલ કબીર આશ્રમ, પ્રણામી મંદિરની ગૌશાળા, લિમબડા લેનનું પાંજરાપોળ, ખીજડિયા બાયપાસ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સરુસેકશન રોડ અંબિકા ડેરી સામેનો વિસ્તાર, ખોડિયાર કોલોની ગૌશાળા, જુના રેલવે સ્ટેશન વિસ્તાર, દરેડ ગૌશાળા તેમજ શ્રી મહાપ્રભુજીની બેઠક સામે સહિત કુલ 15 સ્થળોએ ગાયોને લાડુનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં નિરાધાર ઉભેલી ગાયોને પણ લાડુ ખવડાવવામાં આવશે.

આ સમગ્ર સેવાકીય આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મીદાસભાઈ કે. રાયઠ્ઠા, ઉપપ્રમુખ શ્રી દેવેનભાઈ પાબારી, માનદ મંત્રી શ્રી રિશી અશોકકુમાર પાબારી, પૂર્વ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુ લાલ) સહિત કારોબારી સભ્યો શ્રી વિશાલભાઈ મહેતા, શ્રી પરેશભાઈ મહેતા, શ્રી અરવિંદભાઈ મહેતા, શ્રી કિશોરપરી ગોસાઈ તેમજ સંસ્થાના અન્ય હોદ્દેદારો અને સભ્યો સક્રિય રીતે જોડાયા છે. આ ઉપરાંત ગ્રેઈન માર્કેટના શ્રી મનોજભાઈ અમલાણી સહિત અનેક સેવાભાવીઓનો પણ સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના આગેવાનોનું કહેવું છે કે અષાઢી બીજના દિવસે ગૌસેવા અને અન્નદાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. સારા વરસાદ, સમૃદ્ધ ખેતી અને સર્વજન સુખાકારીની પ્રાર્થના સાથે યોજાતું આ ભંડારું માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ સમાજસેવા અને જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વેપારીઓ અને સેવાભાવીઓ આ પુણ્યકાર્યમાં સહભાગી બની રહ્યા છે.