જાહેરાત
તાજા સમાચાર
ભારત-અમેરિકા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ: શંભૂ બોર્ડર સીલ, ગુરનામ સિંહ ચઢૂની કસ્ટડીમાં | આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, ભગવાન બિરસા મુંડા પરિવહન યોજના હેઠળ 139 નવી બસોને લીલી ઝંડી. | રાહુલ ગાંધી રોડ પર સૂઈ ગયા, પોલીસે ઉઠાવી અટકાયત કરી | રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકાર એલર્ટ, SEOCમાં ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક; સંવેદનશીલ વિસ્તારોમાં NDRF-SDRF તૈનાત. | કેશોદના મેસવાણ ગામેથી સગીરાનું અપહરણ, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો. | PM આવાસ બહાર રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ ધરણા પર | શેરબજારમાં નરમાઈ: સેન્સેક્સ 238 પોઈન્ટ તૂટ્યો, SBI ફંડ્સ મેનેજમેન્ટનું 7% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ. | Amazonના ગ્રાહકને આવ્યું ₹130 લાખ કરોડનું બિલ! ટેક્નિકલ ખામીથી મચ્યો હોબાળો, કંપનીએ આપી સ્પષ્ટતા | માધવપુરમાં રૂ. 43.72 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ, યાત્રાધામને મળશે આધુનિક ઓળખ. | મહારાષ્ટ્રમાં પ્રેમિકાનો ખૌફનાક કાંડ! યુવકના.... |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૬ વાર જોવાયેલ 3 કલાક પેહલા

મારું ગુજરાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, ભગવાન બિરસા મુંડા પરિવહન યોજના હેઠળ 139 નવી બસોને લીલી ઝંડી.

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, ભગવાન બિરસા મુંડા પરિવહન યોજના હેઠળ 139 નવી બસોને લીલી ઝંડી.

ગાંધીનગર: રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સમયસર, સુરક્ષિત અને સુવિધાસભર પરિવહન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા હેઠળ 139 નવી બસોનું લોકાર્પણ કરીને ફ્લેગ ઓફ કર્યું હતું. આ નવી બસો રાજ્યના વિવિધ આદિજાતિ વિસ્તારોમાં સેવા આપશે અને હજારો વિદ્યાર્થીઓને સીધો લાભ પહોંચાડશે.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે રૂ. 33.84 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી આ 139 બસો અંતરિયાળ, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસતા આદિજાતિ પરિવારોના વિદ્યાર્થીઓ માટે સમર્પિત કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લાંબા અંતર સુધી સુરક્ષિત અને નિયમિત પરિવહન મળી રહે, જેથી તેઓ શિક્ષણથી વંચિત ન રહે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના માટે કુલ રૂ. 72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી વડાપ્રધાન દ્વારા પ્રથમ તબક્કામાં 111 બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. હવે બીજા તબક્કામાં વધુ 139 બસો સેવા માટે શરૂ થતાં કુલ 250 બસોની યોજના પૂર્ણ થઈ છે.

નવી બસો શરૂ થતાં રાજ્યના આદિજાતિ વિસ્તારોના 4,100થી વધુ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સરળ અને સુરક્ષિત અવરજવરની સુવિધા મળશે. સરકારનું માનવું છે કે આ યોજનાથી ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે, કારણ કે દૂરના વિસ્તારોમાં રહેતી દીકરીઓ હવે સુરક્ષિત રીતે અભ્યાસ માટે જઈ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓની નિયમિત હાજરીમાં વધારો થશે અને શાળા છોડવાના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

યોજનાની વિશેષતા એ છે કે તમામ બસોને GPS ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે. બસોની હિલચાલનું સતત મોનિટરિંગ કરવામાં આવશે તેમજ વેબ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા અને ગામ સહિતની વિગતોનું દૈનિક અપડેટ ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓની સલામતી સાથે પરિવહન સેવામાં વધુ પારદર્શિતા અને અસરકારકતા આવશે. શાળા-કોલેજના સમય બાદ આ બસો રેવન્યુ મોડલ હેઠળ સામાન્ય મુસાફરોને પણ સેવા આપશે, જેથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ પરિવહનની વધુ સારી સુવિધા મળી રહેશે.

 

સરકારના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી 111 બસોનો રાજ્યના આદિજાતિ જિલ્લાઓમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં 2026-27ના શૈક્ષણિક વર્ષ દરમિયાન અંદાજે 5,700 વિદ્યાર્થીઓ આ બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. નવી બસો ઉમેરાતા આ સંખ્યા વધુ વધશે અને રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધુ મજબૂત બનશે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, રાજ્યમંત્રી પી.સી. બરંડા, જયરામ ગામીત, રમેશ કટારા, આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યો, મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ આદિજાતિ વિકાસ, પરિવહન અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારનું કહેવું છે કે શિક્ષણને પ્રાથમિકતા આપતા આવા પ્રયાસો દ્વારા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને સમાન તકો ઉપલબ્ધ કરાવી તેમના સર્વાંગી વિકાસને નવી દિશા આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ