હવામાન ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ અને યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને સતર્ક રહેવા તેમજ લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદી માહોલ દરમિયાન કલાકના 60 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદની સાથે જ વૃક્ષો ધરાશાયી થવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા હોવાથી નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને વડોદરા ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને બચાવ એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ યલો એલર્ટ જાહેર કરીને લોકોને હવામાન અંગેના અપડેટ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
પ્રશાસને નાગરિકોને નદી-નાળાઓ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા સ્થળોએ ઊભા ન રહેવા અને હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યભરના આપત્તિ વ્યવસ્થાપન તંત્રને પણ સતર્ક રાખવામાં આવ્યું છે.