જાહેરાત
તાજા સમાચાર
સુરતમાં રેડ એલર્ટને પગલે વહીવટી તંત્ર સજ્જ: રાહત-બચાવ કામગીરી માટે તાલુકાવાર વર્ગ-1 અધિકારીઓની નિમણૂક. | ભારે વરસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડનો નિર્ણય: ખેડૂતોને નવી જણસીઓની આવક હાલ બંધ રાખવા અપીલ. | ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર અને માનવતાભર્યા શિક્ષણ પર આપ્યો ભાર. | મેઘરાજાનું તાંડવ: ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત, 1 નેશનલ હાઈવે સહિત કુલ 94 રસ્તાઓ બંધ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 166 પોઈન્ટ અને નિફ્ટી 66 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, ઓટો-મીડિયા શેરોમાં જોરદાર ખરીદી. | ભારે વરસાદની અસર: TAT મુખ્ય પરીક્ષા 8 ઓગસ્ટે, GPSCની 1 ઓગસ્ટની પરીક્ષાઓ હવે 9 ઓગસ્ટે યોજાશે. | જામનગરનું ગૌરવ: ખ્યાતિબા કુલદીપસિંહ જાડેજાની રાજ્યકક્ષાની COE સ્વિમિંગ માટે પસંદગી. | સુરતમાં જળબંબાકાર: અતિભારે વરસાદથી શહેર ઠપ્પ, કાપડ માર્કેટ બંધ. | રાજકોટને ₹247.78 કરોડના વિકાસકામોની ભેટ: મુખ્યમંત્રી 2 ઓગસ્ટે 26 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. | બેટ દ્વારકાના પાજ પાડા વિસ્તારમાં ગંદકી અને ગેરકાયદેસર બાંધકામથી સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર અને માનવતાભર્યા શિક્ષણ પર આપ્યો ભાર.

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર અને માનવતાભર્યા શિક્ષણ પર આપ્યો ભાર.

ગાંધીનગર ખાતે રાજ્યપાલ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષણનો સાચો હેતુ માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ સંસ્કાર, માનવતા, રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવનાથી સજ્જ નાગરિકોનું નિર્માણ કરવાનો છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય પરંપરા અને પ્રાચીન ઋષિ-મુનિઓના વિચારોને સાકાર કરવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી જેવી વિશિષ્ટ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રાચીન ભારતીય વિચારધારામાં બાળ વિકાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને સંસ્કારી બાળક જ ભવિષ્યમાં સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

 

દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રીએ માતા-પિતા અને ગુરુના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, બાળકના જીવનમાં ત્રણ મુખ્ય માર્ગદર્શક હોય છે — માતા, પિતા અને શિક્ષક. બાળકને યોગ્ય દિશા, સારા સંસ્કાર અને જીવનમૂલ્યો આપવાની સૌથી મોટી જવાબદારી આ ત્રણેયની છે. તેમણે શતપથ બ્રાહ્મણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સારા સંસ્કારો ધરાવતા માતા-પિતા અને ગુરુનું માર્ગદર્શન બાળકના સમગ્ર જીવનને ઉજ્જવળ બનાવી શકે છે.

આધુનિક સમયમાં વધતી ભૌતિકવાદી જીવનશૈલી અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજના યુગમાં વ્યક્તિના મન, વચન અને કર્મમાં એકરૂપતા હોવી જરૂરી છે. માત્ર ઉચ્ચ ડિગ્રી કે જ્ઞાન હોવું પૂરતું નથી, પરંતુ વ્યક્તિમાં નૈતિકતા, સંવેદના અને સંસ્કાર હોવા જોઈએ. તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારોને યાદ કરતાં જણાવ્યું કે, સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને સારા વિચારો અને સારા આચરણ તરફ દોરી જાય.

 

રાજ્યપાલશ્રીએ બાળ મનોવિજ્ઞાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, બાળક એક કોરા કાગળ સમાન હોય છે અને તે પરિવાર, વાતાવરણ તથા શિક્ષકો પાસેથી જીવનના મૂલ્યો શીખે છે. તેમણે પ્રાચીન ભારતની 16 સંસ્કારોની પરંપરાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, બાળકના સર્વાંગી વિકાસ માટે ગર્ભાધાનથી લઈને શિક્ષણ સુધી વિવિધ સંસ્કારોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દીક્ષાંત સમારોહમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવ શ્રી અતુલ કોઠારીએ જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાનો પ્રસંગ નથી, પરંતુ વ્યવહારિક જીવનમાં પ્રવેશવાનો સંકલ્પ દિવસ છે. તેમણે વિદ્યાર્થીઓને "શિક્ષાર્થે આવો, સેવાર્થે જાઓ"નો સંદેશ આપતાં જણાવ્યું કે, શિક્ષણનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના હિત માટે થવો જોઈએ.

 

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોષીએ યુનિવર્સિટીની સિદ્ધિઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહી છે. હાલ યુનિવર્સિટીમાં 125થી વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે અને 53થી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પૂર્ણ કરી છે. યુનિવર્સિટીના અધ્યાપકો અને સંશોધકો દ્વારા 550થી વધુ સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા છે તેમજ 100થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે સ્નાતકોને પદવીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પીએચ.ડી.ની ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી. સર્વાંગી બાળ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ડૉ. ઈંદુમતિ કાટદરે અને ડૉ. જ્યોતિબેન થાનકીને માનદ **ડોક્ટર ઓફ લેટર્સ (D.Litt.)**ની પદવી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહ દરમિયાન યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગીજુભાઈ બધેકા ચેરનો અહેવાલ, નવા શૈક્ષણિક પાઠ્યક્રમો, પુસ્તકો, હિન્દી કેલેન્ડર અને ‘ડિવાઈન ચાઈલ્ડ’ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ત્રણ બાળ પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, અધિકારીઓ, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કુલસચિવ પ્રો. (ડો.) સંજય ગુપ્તાએ આભારવિધિ રજૂ કરી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ