મારું શહેર ભણગોર નજીક બેકાબૂ કારની ટક્કરે જીઆરડી જવાનનું મોત બેંકનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા, રસ્તામાં કાળ બની કાર ધસી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું.
જામનગર જિલ્લાના લાલપુર-ભણગોર માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગ્રામ રક્ષક દળ (જીઆરડી)માં ફરજ બજાવતા એક આધેડનું કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બેંકનું કામ પૂર્ણ કરીને પોતાના ગામ તરફ પરત ફરી રહેલા જીઆરડી જવાનને બેફામ ઝડપે દોડી આવેલી કારએ પાછળથી ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામે રહેતા અને ગ્રામ રક્ષક દળના લાલપુર વિભાગમાં ફરજ બજાવતા નાથાભાઈ હાજાભાઈ સાગઠિયા (ઉંમર 58 વર્ષ) તા. 20 જૂનના રોજ પોતાના અંગત કામસર બેંકમાં ગયા હતા. બેંકનું કામ પૂર્ણ કરીને તેઓ મોટરસાયકલ પર પોતાના ગામ સણોસરી તરફ પરત ફરી રહ્યા હતા.
દરમિયાન તેઓ લાલપુરથી ભણગોર ગામ તરફ જતાં માર્ગ પર આવેલા રણૂજાધામ મંદિરના પાટીયા નજીક પહોંચ્યા હતા. આ સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતા નાથાભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈને દૂર જઈ પડ્યા હતા. ફરિયાદ મુજબ તેઓ આરોપીની કારના કાચ સાથે અથડાયા બાદ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત નાથાભાઈને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
નાથાભાઈના અચાનક અવસાનના સમાચાર મળતાં તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સણોસરી ગામ તેમજ લાલપુર વિભાગના ગ્રામ રક્ષક દળના જવાનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સેવાભાવી અને ફરજનિષ્ઠ તરીકે ઓળખાતા નાથાભાઈના નિધનથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
આ અકસ્માત અંગે મૃતકના પુત્ર રાજેશભાઈએ લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા અને મૃત્યુ નિપજાવવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા અકસ્માતના સ્થળનું નિરીક્ષણ કરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ઉપરાંત કારની ઓળખ, તેની ગતિ અને અકસ્માતના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બેફામ ઝડપ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લાલપુર-ભણગોર માર્ગ પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે. વારંવાર બનતા આવા બનાવોને કારણે સ્થાનિક લોકો દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. નાથાભાઈ સાગઠિયાના દુઃખદ અવસાનથી માત્ર તેમના પરિવારજનો જ નહીં પરંતુ સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને જીઆરડી પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.