ટૉપ ન્યૂઝ વાવાઝોડા અને અતિવૃષ્ટિમાં પશુધનની સુરક્ષા માટે સાવચેત રહો: જામનગર જિલ્લા પશુપાલન શાખાની મહત્વપૂર્ણ અપીલ
જામનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન સંભવિત વાવાઝોડા અને અતિવૃષ્ટિની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પશુપાલન શાખાએ પશુપાલકોને ખાસ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. નાયબ પશુપાલન નિયામકશ્રીએ જણાવ્યું છે કે કુદરતી આપત્તિના સમયમાં પશુધનનું રક્ષણ થાય તે માટે અગાઉથી જરૂરી આયોજન કરવું અત્યંત જરૂરી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં નુકસાન ઓછું રહે તે માટે તમામ પશુપાલકોએ તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
પશુપાલકોને ઓછામાં ઓછા ૩૨ કલાક પૂરતો ઘાસચારો અને પીવાનું પાણી સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. જો ઘાસચારો ખુલ્લામાં રાખ્યો હોય તો તેને તાત્કાલિક ઢાંકીને સલામત જગ્યાએ ખસેડવો. વાવાઝોડા દરમિયાન પશુઓને સાંકળથી બાંધી રાખવાના બદલે ખુલ્લા અને સુરક્ષિત સ્થળે રાખવા તેમજ પશુશાળામાં પાણી ભરાવાની શક્યતા હોય તો પશુઓને અગાઉથી જ ઊંચાણવાળા સ્થળે ખસેડવા ખાસ સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડા અથવા ભારે વરસાદ બાદ જો કોઈ પશુ ઇજાગ્રસ્ત થાય અથવા બીમારીના લક્ષણો દેખાય તો તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. પશુપાલકોને પોતાના વિસ્તારના પશુચિકિત્સકના સંપર્ક નંબર હાથવગા રાખવા અને જરૂર પડ્યે તરત જ સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમયસર સારવાર મળવાથી પશુઓના જીવનું રક્ષણ થઈ શકે છે અને ચેપી રોગોના ફેલાવાને પણ અટકાવી શકાય છે.
પશુપાલન વિભાગે પશુઓને નદી, તળાવ, જળાશય અથવા પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન રાખવા તેમજ વીજળીના થાંભલા, નબળા વૃક્ષો અથવા જીર્ણશીર્ણ મકાનો પાસે ન બાંધવા સૂચના આપી છે. ભારે પવન દરમિયાન આવા સ્થળો જોખમી બની શકે છે. ઉપરાંત વાવાઝોડા દરમિયાન પશુઓને બહાર ચરાવવા ન લઈ જવા અને સુરક્ષિત આશ્રયસ્થાને જ રાખવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
જિલ્લા પશુપાલન શાખાએ જણાવ્યું છે કે પશુધન ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધાર છે, તેથી દરેક પશુપાલકે આગોતરી તૈયારી રાખવી જરૂરી છે. હવામાન વિભાગની આગાહીઓ પર સતત નજર રાખવી, સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક પશુપાલન વિભાગ અથવા નજીકના પશુચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ. સમયસર લેવામાં આવેલી સાવચેતી પશુધનને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.