મારું શહેર જામનગર મહાનગરપાલિકા એલર્ટ: ફાયર બ્રિગેડે આપત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવનાને પગલે જામનગર મહાનગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. સંભવિત અતિભારે વરસાદ, વાવાઝોડું અથવા અન્ય કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ તૈયારી હાથ ધરવામાં આવી છે. આજ રોજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ જરૂરી સાધનોની ચકાસણી કરવામાં આવી હતી અને જવાનોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા તમામ સાધનો તૈયાર રાખ્યા છે. ફાયર મેરેજ, રેસ્ક્યૂ સાધનો, દોરડા, લાઇફ સેવિંગ સાધનો, કટર સહિતના જરૂરી ઉપકરણોની ચકાસણી કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષો ધરાશાયી થવા, જર્જરિત ઇમારતોના ભાગો તૂટી પડવા અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક પહોંચી શકાય તે માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
જામનગર શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અથવા રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બનવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે ફાયર વિભાગ દ્વારા ટીમોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા તમામ કર્મચારીઓને સતત સંપર્કમાં રહેવા અને કોઈપણ ઈમરજન્સી કોલ મળતા જ ઝડપથી સ્થળ પર પહોંચવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં આવેલી જર્જરિત ઈમારતો અને જોખમી સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદ અથવા પવન દરમિયાન જો કોઈ ઇમારતનો કાટમાળ ધરાશાયી થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવી છે. જરૂરિયાત મુજબ પોલીસ, મહાનગરપાલિકાના અન્ય વિભાગો અને સંબંધિત તંત્ર સાથે સંકલન કરીને કામગીરી હાથ ધરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ફાયર વિભાગની સતર્કતા અને પૂર્વ તૈયારીના કારણે સંભવિત કુદરતી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક રાહત કામગીરી કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.