મારું શહેર માધવપુર ઘેડ ખાતે પશુપાલન વિભાગની લાભાર્થી શિબિર યોજાઈ, મહિલાઓ સહિત અનેક લાભાર્થીઓએ લીધો લાભ.
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે પશુપાલન ખાતું, રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મરઘા વિસ્તારણ કેન્દ્ર, જામનગર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ માટે વિશેષ જાગૃતિ અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત વિવિધ વર્ગના લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ પશુપાલન અને મરઘા ઉછેર ક્ષેત્રે સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે લાભાર્થીઓને માહિતગાર કરવાનો તેમજ સ્વરોજગારી અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પશુપાલન આધારિત વ્યવસાયની તકો, આધુનિક પશુપાલન પદ્ધતિઓ, મરઘા ઉછેરની વૈજ્ઞાનિક રીતો તેમજ સરકારી સહાય અને સબસિડી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં ડો. એસ. પી. માવાણી, મદદનીશ પશુપાલક નિયામક (મરઘા વિસ્તારણ), જામનગર, ડો. આર. ડી. ડાંગર, મદદનીશ પશુપાલક નિયામક (મરઘા વિસ્તારણ), જામનગર તથા શ્રી આઈ. આઈ. ડોમાન, પશુધન નિરીક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની વધતી તકો, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભ મેળવવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પશુપાલન અને મરઘા ઉછેર ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો, અનુસૂચિત જાતિના પરિવારો અને દિવ્યાંગજનો માટે આ ક્ષેત્ર આવકનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે. સરકાર દ્વારા આવા લાભાર્થીઓને સ્વરોજગારી માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય, તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

શિબિર દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ પણ વિશેષ રસ દાખવ્યો હતો. તેમને મરઘા ઉછેર, પશુ આરોગ્ય, પોષણ વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ અને બજાર વ્યવસ્થા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સરકારની યોજનાઓનો લાભ મેળવી કેવી રીતે ઘરઆધારિત વ્યવસાય શરૂ કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લાભાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને સહાય મેળવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત લાભાર્થીઓએ શિબિરને અત્યંત ઉપયોગી ગણાવી આવી વધુ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરવાની માંગ વ્યક્ત કરી હતી.
આ શિબિર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન ક્ષેત્રે જાગૃતિ વધારવા, સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોને વેગ મળ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને લાભાર્થીઓએ મળેલા માર્ગદર્શન બદલ પશુપાલન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર સુભાષ માવદીયા