મારું શહેર 2010 પહેલાંના શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિની માંગ તેજ, ભરૂચમાં શિક્ષકોનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સાથે ધરણો.
વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોને TET (ટિચર એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ સર્જાયેલી સ્થિતિને લઈને શિક્ષકોમાં વ્યાપેલી ચિંતાને વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો અને મહાસંઘના હોદ્દેદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
તાજેતરમાં 29 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ દેશભરના વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકો માટે પણ TET પરીક્ષા ફરજિયાત બનવાની શક્યતા ઊભી થઈ છે. આ નિર્ણયને કારણે લાખો વરિષ્ઠ શિક્ષકોમાં અનિશ્ચિતતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. દાયકાઓથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકો હવે પોતાની નોકરી, વરિષ્ઠતા અને ભવિષ્ય અંગે ચિંતિત બન્યા છે.
આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશવ્યાપી રજૂઆતોનું આહવાન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પણ શિક્ષકોના હિતોની રક્ષા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
મહાસંઘના પ્રમુખ પ્રવીણ સોલંકીના નેતૃત્વમાં રજૂ કરાયેલા આવેદનપત્રમાં ચાર મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, નવા નિયમો અથવા કાયદાકીય જોગવાઈઓને ભૂતકાળની અસરથી લાગુ ન કરવામાં આવે, વરિષ્ઠ શિક્ષકોની સેવા, વરિષ્ઠતા, બઢતી અને અન્ય હકોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવે તેમજ કેન્દ્ર સરકાર સંસદમાં વિશેષ જોગવાઈ કરીને આ સમસ્યાનો કાયદાકીય ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી.
શિક્ષક આગેવાનોએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે વર્ષો પહેલાં જે શિક્ષકોની ભરતી તે સમયના પ્રવર્તમાન નિયમો અને લાયકાતના ધોરણો મુજબ થઈ હતી, તેમને હવે નવા નિયમોના આધારે TET ફરજિયાત બનાવવું ન્યાયસંગત નથી. ઘણા શિક્ષકો 20થી 30 વર્ષથી વધુ સમયથી શિક્ષણકાર્ય કરી રહ્યા છે અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરી ચૂક્યા છે. આવા અનુભવી શિક્ષકોને હવે ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવાથી તેમની માનસિક સ્થિતિ અને મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે.
મહાસંઘે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાયદાકીય વ્યાખ્યા અને અમલીકરણને લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં ભિન્ન પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જેના કારણે શિક્ષકોમાં ભારે ગૂંચવણ અને અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તેથી કેન્દ્ર સરકાર અને સંબંધિત શિક્ષણ સત્તાધિકારીઓએ દેશભરના રાજ્યો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ જેથી શિક્ષકોમાં ફેલાયેલી શંકા અને ભય દૂર થઈ શકે.
શિક્ષક આગેવાનોના મતે, હાલની સ્થિતિમાં ઘણા વરિષ્ઠ શિક્ષકોને પોતાની નોકરીની સુરક્ષા, બઢતી અને નિવૃત્તિ લાભો અંગે ચિંતા સતાવી રહી છે. જો TET ફરજિયાત બનાવવામાં આવશે તો તેની અસર લાખો શિક્ષકોના કારકિર્દી જીવન પર પડી શકે છે. તેથી સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.
રજુઆત દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં સંસદ સર્વોચ્ચ છે અને સંસદ પાસે કાયદામાં જરૂરી સુધારા કરવાની સત્તા છે. તેથી કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતો અને શિક્ષણ ક્ષેત્રની સ્થિરતાને ધ્યાનમાં રાખીને વિશેષ કાયદાકીય જોગવાઈ લાવે અને વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને રાહત આપે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચેતવણીરૂપે જણાવ્યું હતું કે જો શિક્ષકોની વાજબી માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વધુ વ્યાપક આંદોલન પણ શરૂ થઈ શકે છે. હાલ શિક્ષકો સરકાર સમક્ષ સંવાદ અને કાયદાકીય ઉકેલ દ્વારા પ્રશ્નનો નિકાલ લાવવાની આશા રાખી રહ્યા છે.
આ પ્રસંગે મહાસંઘના હોદ્દેદારો, વિવિધ તાલુકાઓના શિક્ષક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસ્વરે વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવા અને તેમના હકોનું રક્ષણ કરવા માટે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.