ફૂડ રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ: 87 રેસ્ટોરન્ટ-પેઢીઓમાં ચેકિંગ, 59 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 2 એકમ સીલ, 10 નમૂના લેબમાં મોકલાયા.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીના વેચાણ સામે વ્યાપક સર્વેલન્સ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 87 પેઢી, રેસ્ટોરન્ટ અને ફૂડ વ્યવસાયોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 59 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જ્યારે 96 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, લાઇસન્સ, સ્ટોરેજ અને હાઇજેનિક કન્ડિશન સહિતની વિવિધ ખામીઓ બદલ 9 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી, રૂ.20,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો, FSSAI એક્ટ હેઠળ 10 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અને ગંભીર અનિયમિતતા સામે આવતા બે ફૂડ એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સૌથી ગંભીર બેદરકારી રેલનગર મેઈન રોડ પર આવેલા "AADARO" રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગ ખાતે સામે આવી હતી. ફૂડ વિભાગને ફ્રિજમાં અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં બટાકાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી બ્રેડ, પિઝા, પાઉં સહિત એક્સપાયર્ડ ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી અંદાજે 19 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટ સામે હાઇજેનિક કન્ડિશન અને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.3,000નો વહીવટી ચાર્જ વસૂલ્યા બાદ એકમને સીલ કરી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કર્ણાવતી રોડ પર આવેલી "જય જલારામ ક્રીમ લસ્સી એન્ડ વડાપાઉં" પેઢીમાં પણ લસ્સી માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી સહિત કુલ 22 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ એકમને પણ રૂ.3,000નો વહીવટી ચાર્જ ફટકારી લાઇસન્સ અને સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગે શહેરના અનેક અન્ય વેપારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. શ્રી સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોર, લક્ષ્મી ફરસાણ માર્ટ, જય સીયારામ ફરસાણ, અંબિકા ફરસાણ, સંતોષ ભેળ, શ્રીનાથજી ખમણ હાઉસ, ચટકાઝ ફૂડ્સ, યોગી ફરસાણ, પ્રિયા લાઇવ કેળા વેફર, શ્રીજી ફરસાણ એન્ડ ખમણ, શ્રી સદગુરુ ડેરી ફાર્મ, ઓમ સ્નેક્સ, હરભોલે ફરસાણ, મહાદેવ ચાઈનીઝ, ઓમ ખમણ અને ભગવતી ફરસાણ સહિત અનેક પેઢીઓમાં લાઇસન્સ વગર ધંધો ચલાવવો, બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ખાદ્યસામગ્રીનો સંગ્રહ કરવો, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવો અને વાસી ખોરાક વેચવા જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. અનેક સ્થળોએ વાસી ચટણી, મંચુરિયન, લાડુ, મીઠાઈ, ચટણી, ફરસાણ અને અન્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે જરૂરી સ્થળોએ વહીવટી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ શહેરમાં મિલ્ક ચેકિંગ ડ્રાઇવ પણ હાથ ધરી હતી. વિવિધ ડેરી ફાર્મ, સ્વીટ માર્ટ અને ફૂડ એકમોમાંથી દૂધ, પનીર, કેક, સેવ, બુંદી સહિતના ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ, સુખસાગર ડેરી ફાર્મ, શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, ડેલીસીયસ ફૂડ્સ, શ્રીજી ડેરી ફાર્મ, શિવમ ડેરી ફાર્મ, શ્રી તિરુપતિ ડેરી ફાર્મ, બજરંગ ડેરી ફાર્મ, રામકૃપા ડેરી ફાર્મ અને વૃંદાવન ડેરી ફાર્મ સહિતની પેઢીઓમાંથી કુલ 10 નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.
કેટલાક વેપારીઓ સામે લાઇસન્સનો અભાવ, મીઠાઈ પર 'યુઝ બાય' તારીખ ન દર્શાવવી, ખાદ્યતેલ અથવા ઘીનો પ્રકાર દર્શાવતું બોર્ડ ન લગાવવું અને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું છે કે શહેરમાં ભેળસેળ, ગંદકી અને અખાદ્ય ખોરાક સામે આવી જ રીતે સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે FSSAI એક્ટ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.