મારું શહેર અમદાવાદને ₹2,719 કરોડની વિકાસ ભેટ: 6 મેગા પ્રોજેક્ટને મંજૂરી, ગટરથી લઈને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સુધી બદલાશે શહેરનું ભવિષ્ય.
અમદાવાદ શહેરના શહેરી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ₹2,719.80 કરોડના 6 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ શહેરના ગટર નેટવર્કના આધુનિકીકરણ, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્લજ મેનેજમેન્ટ તેમજ જાહેર પરિવહનને વધુ આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, પ્રોજેક્ટ્સને મંજૂરી મળ્યા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ કામોનો વાસ્તવિક પ્રારંભ ક્યારે થશે? કારણ કે પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 25-25 ટકા સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 50 ટકા નાણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોન, મ્યુનિસિપલ બોન્ડ અથવા અન્ય નાણાકીય વ્યવસ્થા મારફતે ઉભા કરવામાં આવશે. નાણાકીય વ્યવસ્થા પૂર્ણ થયા બાદ ટેન્ડર પ્રક્રિયા, ટેકનિકલ મંજૂરી અને અમલીકરણનો તબક્કો શરૂ થશે.
મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં શહેરના વર્ષોથી જૂના થઈ ગયેલા ગટર નેટવર્કના પુનર્વસનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના રિહેબિલિટેશન માટે ₹852.93 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે ₹551.35 કરોડ અને શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના સુધારા માટે ₹290.24 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે ₹215 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનું રિયલ-ટાઈમ ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. શહેરમાં 125 ટન પ્રતિ દિવસ ક્ષમતાવાળી ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે ₹479.25 કરોડ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) તથા ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) માટે ₹331.03 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ યોજનાઓ અમદાવાદને વધુ આધુનિક, સ્વચ્છ અને ટેક્નોલોજી આધારિત શહેર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પ્રોજેક્ટ્સ અમલમાં આવ્યા બાદ અમદાવાદના લાખો નાગરિકોને સીધો લાભ મળશે. ગટર નેટવર્કનું આધુનિકીકરણ થતાં ગટર ઓવરફ્લો, લીકેજ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા સમગ્ર પાણી અને ગટર નેટવર્કનું રિયલ-ટાઈમ ડિજિટલ મોનિટરિંગ થઈ શકશે, જેના કારણે લીકેજ અને ટેક્નિકલ ખામીઓને ઝડપથી શોધી સુધારી શકાશે. સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી દ્વારા ગટરના કચરામાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે, જે પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, જાહેર પરિવહનમાં ITMS અને AFCS લાગુ થતાં AMTS, BRTS અને મેટ્રો વચ્ચે એકીકૃત મુસાફરીનો અનુભવ મળશે. મુસાફરો કોમન મોબિલિટી કાર્ડ અને એક જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમામ જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રૂટ પ્લાનિંગ, રિયલ-ટાઈમ બસ માહિતી, સ્માર્ટ ટિકિટિંગ અને ઇન-બસ સર્વેલન્સ જેવી સુવિધાઓથી મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે.
અર્બન ચેલેન્જ ફંડ કેન્દ્ર સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ દેશના શહેરોને આધુનિક, ટકાઉ અને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવાનો છે. આ યોજના માટે આગામી પાંચ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કુલ ₹1 લાખ કરોડની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફંડ હેઠળ શહેરોમાં 'ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સિટીઝ', 'સિટીઝ એઝ ગ્રોથ હબ' અને 'વોટર એન્ડ સેનિટેશન' જેવા ત્રણ મુખ્ય વર્ટિકલ્સમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. ગુજરાત રાજ્યને આ યોજના હેઠળ કુલ ₹6,475 કરોડની કેન્દ્રીય સહાય ફાળવવામાં આવી છે, જેના આધારે રાજ્યના વિવિધ શહેરોમાં અંદાજે ₹25,900 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે. યોજના મુજબ પ્રોજેક્ટના કુલ ખર્ચમાંથી 25 ટકા કેન્દ્ર સરકાર, 25 ટકા રાજ્ય સરકાર અને બાકીના 50 ટકા નાણાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) દ્વારા એકત્ર કરવાના રહેશે. અમદાવાદના આ છ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકાર તરફથી ₹679.95 કરોડ અને રાજ્ય સરકાર તરફથી એટલી જ રકમની સહાય મળશે, જ્યારે બાકીની આશરે ₹1,360 કરોડ જેટલી રકમ AMC દ્વારા લોન અથવા અન્ય નાણાકીય સ્ત્રોતો દ્વારા ઉભી કરવામાં આવશે. હવે શહેરવાસીઓની નજર એ બાબત પર છે કે મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા અને અમલીકરણ કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને અમદાવાદને આ મહત્ત્વાકાંક્ષી વિકાસ યોજનાઓનો વાસ્તવિક લાભ ક્યારે મળવાનું શરૂ થાય છે.