જાહેરાત
તાજા સમાચાર
AI બૂમથી વધ્યો કાર્બન સંકટ | 'Earth's Black Box' : પૃથ્વીનો છેલ્લો સાક્ષી? | દેવભૂમિ દ્વારકા બ્રેકિંગ વ્રજવાણીથી નીકળેલી કોંગ્રેસની કિશાન અધિકાર યાત્રા આવતીકાલે દ્વારકા પહોંચશે. | રાજકોટમાં ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમનો પ્રારંભ. | સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નિર્માણમાં મહત્વપૂર્ણ સિદ્ધિ, 12 મીટર લાંબા 'V' કોલમનું સફળ સ્થાપન. | દરેડ GIDCમાં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત: PGVCL કચેરીનો ઘેરાવ, પાવર કાપ સામે ઉગ્ર વિરોધ | ધ્રોલના હરીપર ગામે કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો આક્ષેપ: હિન્દુ સેના દ્વારા સ્થળ તપાસ, ધાર્મિક સાહિત્ય મળ્યાનો દાવો. | ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂનો કહેર! 10 મહિનામાં દારૂ પીને મારામારીના 93 હજારથી વધુ કેસ, રોજના 300થી વધુ પોલીસ કોલ. | ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ: 2000 જવાનો સાથે ભવ્ય મોક ડ્રિલ, સુરક્ષા વ્યવસ્થાનો અભ્યાસ | રાજકોટમાં રોગચાળા સામે મનપાની મેગા ઝુંબેશ: 34 હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી, 832 લોકોને નોટિસ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર રાજકોટમાં ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમનો પ્રારંભ.

રાજકોટમાં ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમનો પ્રારંભ.

માત્ર ₹500 માસિક ફીમાં મળશે સુવિધા

રાજકોટ, તા. 13 જુલાઈ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રમતગમત અને ફિટનેસ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપતા મવડી વિસ્તારમાં આવેલા ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ખાતે અત્યાધુનિક જિમ સુવિધાનો સોમવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આશરે ₹23.60 કરોડના ખર્ચે 11,831 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામેલા આ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં હવે નાગરિકોને વિશ્વસ્તરીય ફિટનેસ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

જિમના લોકાર્પણ પ્રસંગે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખીમણીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા અને **રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન (RSPF)**ના સંયુક્ત સંચાલન હેઠળ કાર્યરત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જિમ ઉપરાંત યોગા સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. ડે-નાઇટ સુવિધા ઉપલબ્ધ હોવાથી નોકરીયાત વર્ગ, યુવાનો તેમજ રમતવીરો પોતાની અનુકૂળતા મુજબ વહેલી સવારથી રાત્રિ સુધી જિમનો લાભ લઈ શકશે.

માત્ર ₹500 માસિક ફીમાં મળશે સભ્યપદ

જિમ માટે ઓફલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. ભાઈઓ અને બહેનો માટે માસિક સભ્યપદ ફી ₹500 (GST ઉપરાંત) રાખવામાં આવી છે. મહિલાઓ માટે અલગ સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

જિમમાં મળશે વિશ્વસ્તરીય ફિટનેસ સુવિધાઓ

નવનિર્મિત જિમમાં કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે અદ્યતન મશીનો, ટ્રેડમિલ, ક્રોસ ટ્રેનર, લેટ પુલડાઉન, ચેસ્ટ પ્રેસ, લેગ પ્રેસ, કેબલ ક્રોસઓવર, ફ્રી વેઇટ્સ, ઓલિમ્પિક બારબેલ્સ, એડજસ્ટેબલ બેન્ચ સહિતની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સર્ટિફાઇડ ટ્રેનર્સ, શાવર રૂમ, શુદ્ધ પીવાનું પાણી અને ફર્સ્ટ એઇડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

12 આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કુલ 8 ઇન્ડોર અને 4 આઉટડોર રમતગમતની આંતરરાષ્ટ્રીય ધોરણોની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં 10 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ ટેબલ, 2 સ્ક્વોશ કોર્ટ, 10 મીટર શૂટિંગ રેન્જ, યોગા સેન્ટર, મલ્ટી વુડન કોર્ટ, આર્ચરી, સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, ક્લે વોલીબોલ કોર્ટ, ક્લે કબડ્ડી કોર્ટ અને 2 સિન્થેટિક ટેનિસ કોર્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 1,200 બેઠક ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ, ચેસ-કેરમ હોલ, પાર્કિંગ, વેઇટિંગ એરિયા, લિફ્ટ અને રાત્રિ મેચો માટે 10 હાઇમાસ્ટ લાઇટ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગ્રીન એનર્જી પર વિશેષ ભાર

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 74.35 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેના દ્વારા દર વર્ષે અંદાજે 1.07 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે, જેથી વીજ ખર્ચમાં ઘટાડા સાથે ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહન મળશે.

500થી વધુ સભ્યો અને કોચિંગ મોડલ સફળ

હાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિવિધ રમતગમત સુવિધાઓમાં 528 સભ્યો લાભ લઈ રહ્યા છે. જ્યારે ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, શૂટિંગ અને બેડમિન્ટન સહિતની રમતો માટે શરૂ કરાયેલા કોચિંગ મોડલ હેઠળ 141 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે.

મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ વિવિધ રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને રાજકોટના ખેલાડીઓ તથા નાગરિકોને આ વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ